ચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હાર
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ 320 રન બનાવ્યાં હતા. પાકિસ્તાનને જીત માટે 321 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનની આખી ટીમ 260 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીમાં હારથી શરૂૂઆત થઈ છે. યજમાન ટીમને પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 60 રને હરાવી દીધું છે. આ જીતથી ન્યૂઝીલેન્ડની સેમીફાઈનલમાં પહોંચવાની આશા વધી ગઈ છે, જ્યારે પાકિસ્તાન માથે હારનું સંકટ તોળાઈ રહ્યું છ. તેને હવે બાકી રહેલી બે મેચ જીતવી પડશે. મોહમ્મદ રિઝવાનની કેપ્ટનશીપમાં યજમાન પાકિસ્તાન 321 રનના ટાર્ગેટનો પીછો કરતા 260 રને ધરાશાયી થઈ ગયું. સ્ટાર બેટ્સમેન બાબર આઝમે 64 રન બનાવ્યાં પરંતુ તેના માટે તેણે 90 બોલનો સામનો કર્યો. બાબરે 81 બોલમાં અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનની ટીમ હવે 23 ફેબ્રુઆરીએ ભારત સાથે દુબઈમાં ટકરાશે.
ન્યૂઝીલેન્ડે આપેલા 321 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમ 47.2 ઓવરમાં 260 રન જ બનાવી શકી. તેની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી, ફખર જમાં ઓપનિંગની જગ્યાએ ચોથા નંબરે ઉતર્યો હતો. સાઉદ શકીલ અને બાબર આઝમે પાકિસ્તાન તરફથી ઇનિંગની શરૂૂઆત કરી પરંતુ 8 રન બાદ શકીલને વિલિયમ ઓરૂૂર્કેએ મેટ હેનરીના હાથે કેચ કરાવી દીધો હતો.
પાકિસ્તાનને બીજો આંચકો 22ના સ્કોરે લાગ્યો જ્યારે કેપ્ટન રિઝવાનને શાનદાર કેચના કારણે પેવેલિયન પરત ફરવું પડ્યું. રિઝવાન 3 રન બનાવી આઉટ થયો હતો. ફખર જમાંએ 41 બોલમાં 24 રન બનાવ્યાં, જ્યારે સલમાન આગાએ 28 બોલમાં 42 રનની ઇનિંગ રમી. તૈયબ તાહિર એક બનાવીને આઉટ થયો, ખુશદિલ શાહ 49 બોલ પર 69 રન બનાવીને આઉટ થયો. આઝમને પોતાની ધીમી રમતના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ટ્રોલર્સ કહી રહ્યાં છે કે, બાબર ટીમ માટે નહીં પરંતુ રેન્કિંગ માટે આ ઇનિંગ રમી છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે ઓપનર વિલ યંગ અને કેપ્ટન ટોમ લેથમની સદીના જોરે 5 વિકેટના નુકાસને 320 રન બનાવ્યાં હતા.
યંગે 113 બોલમાં 107 રન બનાવ્યાં, જ્યારે લેથમ 118 રન બનાવીને અણનમ રહ્યો હતો. ગ્લેન ફિલિપ્સે 39 બોલમાં 61 રન બનાવ્યાં હતા. યંગે પોતાની ઇનિંગ દરમિયાન 12 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે લેથમે 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડની શરૂૂઆત ખરાબ રહી હતી, ટીમે 17 ઓવરમાં 73 રન બનાવી 3 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાની બોલર નસીમ શાહે કેન વિલિયમસનની કિંમતી વિકેટ લીધી હતી, જે છેલ્લી 35 વનડે ઇનિંગમાં પહેલીવાર બે આંકડે પહોંચી શક્યો નહીં. કિવી ટીમ તરફથી ઓરૂૂર્કે અને સેંટનરે 3-3 વિકેટ લીધી હતી.