ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ ગયા. પરંતુ હજુ પણ ટુર્નામેન્ટને લઈને એક ટેન્શન ચાલુ છે અને તે છે પાકિસ્તાનના સ્ટેડિયમોની હાલત. પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટની મેચો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં આયોજિત થવાની છે પરંતુ સ્ટેડિયમ હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી.
આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્થળ બદલવાની જાહેરાત કરી છે. પરંતુ આ ફેરફાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે નહીં પરંતુ તે પહેલા યોજાનારી ત્રિકોણીય વનડે શ્રેણી માટે થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં જ એક ત્રિકોણીય વનડે શ્રેણી રમાવાની છે, જેમાં યજમાન પાકિસ્તાન સિવાય ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ ભાગ લેશે. આ શ્રેણી 8મી ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને તેમાં ફાઈનલ સહિત 4 મેચ રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થવાની હતી પરંતુ હવે પાકિસ્તાની બોર્ડે આ ચાર મેચોને લાહોર અને કરાચીમાં શિફ્ટ કરી દીધી છે.
પીસીબીએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે તે દુનિયાને બતાવી શકે કે બંને સ્થળો ચેમ્પિયન્સ ટ્રોફી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ત્રણ સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંથી બે નેશનલ સ્ટેડિયમ કરાચી અને ગદ્દાફી સ્ટેડિયમ લાહોરનું છેલ્લા ઘણા મહિનાઓથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ બંને સ્ટેડિયમમાં આધુનિક સુવિધાઓ અને જરૂૂરિયાતો પૂરી પાડવા માટે પીસીબી આ કામ કરી રહ્યું છે. પરંતુ આ બંને સ્ટેડિયમની હાલત હાલમાં બહુ સારી દેખાઈ રહી નથી અને આશંકા છે કે આ બંને સ્ટેડિયમમાં કામ 25 જાન્યુઆરીની સમયમર્યાદા સુધીમાં પૂર્ણ નહીં થાય.