એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વિકેટે હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગ કામ ન આવી
પાકિસ્તાને ભારતને 8 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ની આ મેચમાં પાક બેટ્સમેન માઝ સદાકત એકલા જ ભારતીય બોલરો પર ભારે પડ્યો. સદાકતે અણનમ 79 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરતા 136ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં પાકિસ્તાને 14મી ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ ઇમાં પ્રથમ સ્થાને આવી ગયું છે.
પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાને વૈભવ સૂર્યવંશીએ શાનદાર શરૂૂઆત અપાવી હતી. તેણે 28 બોલમાં 45 રન બનાવ્યા હતા, જ્યારે નમન ધીરે પણ 20 બોલમાં 35 રનની તોફાની ઇનિંગ રમીને પાકિસ્તાની બોલરોની ધોલાઈ કરી હતી. પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. કેપ્ટન જીતેશ શર્મા અને આશુતોષ શર્મા પણ ફ્લોપ રહ્યા. પરિણામે ભારતીય ટીમ માત્ર 136 રનમાં સમેટાઈ ગઈ.
પાકિસ્તાની ઓપનિંગ બેટ્સમેન માઝ સદાકત આખી ટીમ ઇન્ડિયા પર ભારે પડ્યો. તેણે 47 બોલમાં 79 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેણે પોતાની અણનમ ઇનિંગમાં 7 ચોગ્ગા અને ચાર છગ્ગા પણ ફટકાર્યા. ભારત તરફથી યશ ઠાકુર અને સુયશ શર્માએ એક-એક વિકેટ લીધી. મોહમ્મદ ફૈકે છગ્ગો ફટકારીને પાકિસ્તાનનો 8 વિકેટથી વિજય સુનિશ્ચિત કર્યો.