આવતીકાલે રાજકોટમાં સાઉથ આફ્રિકા અને ભારત A વચ્ચે વન-ડે મુકાબલો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ઇન્ડિયા-અ અને સાઉથ આફ્રિકા-અ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી શરૂૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયુ છે. અને તેઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં 10 દિવસ સુધી રોકાણ કરનાર છે.
હોટલ સયાજી ખાતે ખેલાડીઓ માટે રોયલ રજવાડી થીમ પર સજાવટની સાથે જ, તેમને ગાંઠિયા, જલેબી, થેપલા અને સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી જેવી મનપસંદ વાનગીઓ પીરસવાની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે અહીં યોજાનાર ત્રણેય મેચ નિહાળવા પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર આપી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા છે.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. આજે બન્ને ટીમોએ નેટ પ્રેકટીશ કરી હતી. હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ રૂૂમ ફાળવવામાં આવશે. આ હોટલના દરેક રૂૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યા છે. જેમાં રૂૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે. માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
ઇન્ડિયા-એ ટીમના ખેલાડીઓ
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બડોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કિષ્ના, ખલીલ અહેમદ
સાઉથ આફ્રિકા-એ ટીમના ખેલાડીઓ
માર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના માફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર
દિલ્હી બ્લાસ્ટના પગલે સ્ટેડિયમમાં પણ ચેકિંગ
આવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા ‘એ’ ટીમ વચ્ચે વન-ડે શ્રેણીનો પ્રારંભ રાજકોટનાં નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે થઇ રહયો છે ત્યારે દિલ્હીમા બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ રૂરલ પોલીસે પણ સ્ટેડીયમની સઘન તપાસ શરુ કરી હતી. ગઇકાલે રાત્રે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર પણ સ્ટેડીમા પહોંચ્યા હતા. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ડોગ સ્કવોડ તેમજ બોમ્બ સ્કવોડ દ્વારા સ્ટેડીયમનાં અલગ અલગ સ્થળો પર તપાસ શરુ કરી હતી . એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે મેચને લઇને સ્ટેડીયમ ખાતે તપાસ કરી છે અને જીલ્લામા જયા જયા સંવેદનશીલ વિસ્તારો છે ત્યા પણ સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે.