દ્વિપક્ષીય સિરીઝ ન રમવી પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમવી: પાક. સાથે બેવડી ક્રિકેટ નીતિ
ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું જોઈએ કે નહીં એ મુદ્દો પાછો ચર્ચામાં છે. પાકિસ્તાનના પીટ્ટુ આતંકવાદીઓએ એપ્રિલ મહિનામાં પહલગામમાં હુમલો કરીને ત્રીસેક ભારતીયોની હત્યા કરી પછી ભારતમાં આવેલા દેશપ્રેમના જુવાળમાં ભારતે પાકિસ્તાન સાથેના તમામા સંબંધો કાપી નાખવા જોઈએ એવી વાતો બહુ ચાલેલી. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ક્રિકેટમાં લોકોને સૌથી વધારે રસ પડે છે તેથી પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ એવા દેકારા પણ બહુ થયા હતા.
ભારત લાંબા સમયથી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ તો રમતું જ નથી તેથી તેનો તો સવાલ જ નહોતો પણ એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી સ્પર્ધાઓમાં પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવો જોઈએ અને પાકિસ્તાન સામે ન રમવું જોઈએ એવી વાતોનાં વડાં બહુ થયાં હતાં. તેના શ્રીગણેશ સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપથી કરીને ભારતે પાકિસ્તાન સામે ના રમવું જોઈએ એવી વાતોનો મારો પણ ચાલેલો પણ નરેન્દ્ર મોદી સરકારે આ બધી વાતોને કોરાણે મૂકીને એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવાની ભારતીય ક્રિકેટ ટીમને મંજૂરી આપી દીધી છે. આ નીતિ પ્રમાણે, ભારત-પાકિસ્તાન સામસામે એટલે કે દ્વિપક્ષીય સિરીઝમાં નહીં રમે પણ મલ્ટીનેશન ટૂર્નામેન્ટમાં થનારી મેચને રોકી ના શકાય તેથી વર્લ્ડકપ સહિતની આવી સ્પર્ધાઓમાં ભારત અને પાકિસ્તાન રમી શકશે. ભારતીય ટીમ કોઈ પણ ટૂર્નામેન્ટ કે મેચ માટે પાકિસ્તાન નહીં જાય કે પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં રમવાની મંજૂરી નહીં મળે પણ તટસ્થ સ્થળે રમાતી વધારે દેશો ભાગ લેતા હોય તેવી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનની મેચ સામે વાંધો નહીં લેવાય.
આ સગવડિયા નીતિ માટે હાલની મોદી સરકારને જ દોષિત ગણાવી શકાય તેમ નથી કેમ કે આ સગવડિયા નીતિ વરસોથી ચાલે છે. 2008માં 26 નવેમ્બરે પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈમાં આતંકવાદી હુમલો કરીને લગભગ બસો લોકોનાં ઢીમ ઢાળી દીધાં હતાં. એ વખતે મનમોહન સિંહ સરકારે પાકિસ્તાન સાથે કોઈપણ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો પણ આઈસીસી સહિતનાં એસોસિએશનનની સ્પર્ધાઓમાં રમવા પર પ્રતિબંધ નથી તેથી ભારત 2008 પછી પણ વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-20 વર્લ્ડકપ સહિતની સ્પર્ધાઓમાં પાકિસ્તાન સામે રમે જ છે. મુંબઈ હુમલા પછી તરત ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી દ્વિપક્ષીય સિરીઝ રદ થઈ તેથી 2008 પછી ભારત અને પાકિસ્તાન સામસામે ટેસ્ટ નથી રમ્યાં પણ વન ડે અને ટી-20 મેચો તો રમ્યાં જ છે. મોદી સરકારે એ જ નીતિ ચાલુ રાખી છે પણ મોદી સરકારે પહલગામ હુમલા પછી કરેલી હોહાને અનુરૂૂપ આ નિર્ણય નથી જ.