નિરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ જીતી
પ્રથમ પ્રયાસમાં જ 88.16 મીટરનો થ્રો કર્યો, જુલિયન વેબરને હરાવી બદલો લીધો
ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ પેરિસ ડાયમન્ડ લીગ 2025ની મેન્સ જૈવલિન થ્રો સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. 20 જૂને (શુક્રવાર) પેરિસમાં થયેલી આ ઇવેન્ટમાં નીરજે પોતાના હરીફ જર્મનીના જૂલિયન વેબરને પરાજિત કર્યો હતો. નીરજ ગત ટૂર્નામેન્ટમાં વેબરથી હારી ગયો હતો. પરંતુ, હવે તેણે આ હારનો બદલો લઈ લીધો છે.
પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ પહેલા પ્રયાસમાં 88.16 મીટરનો થ્રો કર્યો હતો, જેનાથી તે સૌથી આગળ નીકળ્યો અને અંત સુધી લીડ કાયમ રાખી. બાદમાં નીરજે બીજા પ્રયાસ 85.10 મીટરની દૂરી નક્કી કરી હતી. નીરજનો ત્રીજો, ચોથો અને પાંચમો અટેમ્પ નિષ્ફળ રહ્યો. જોકે, છઠ્ઠા પ્રયાસમાં તેણે 82.89 મીટરનો થ્રો કર્યો હતો.
16 મેના દિવસે જુલિયન વેબરે દોહા ડાયમંડ લીગ 2025માં નીરજ ચોપડાને હરાવ્યો હતો. ત્યારે જુલિયન વેબરે 91.06 મીટરનો છેલ્લો થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું હતું. નીરજ 90.23 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. ત્યારબાદ 23 મેના દિવસે પોલેન્ડમાં યોજાયેલી જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં પણ વેબરે નીરજને હરાવ્યો. જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં, વેબરે 86.12 મીટર અને નીરજે 84.14 મીટર ફેંક્યો.
જણાવી દઈએ કે ડાયમંડ લીગના કોઈપણ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને 8 પોઈન્ટ મળે છે. જ્યારે બીજા સ્થાન પર રહેવા બદલ 7 પોઈન્ટ, ત્રીજા સ્થાન પર રહેવા બદલ 6 અને ચોથા સ્થાન પર રહેવા બદલ 5 પોઈન્ટ આપવામાં આવે છે. એટલે કે, નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં 8 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે બીજા સ્થાન પર રહેનાર જુલિયન વેબરને 7 પોઈન્ટ મળ્યા હતા. ડાયમંડ લીગ 2025ની સમાપ્તિ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ઝ્યૂરિખમાં ડાયમંડ લીગ ફાઇનલ દ્વારા થશે. ડાયમંડ લીગ ફાઇનલના વિજેતાને ડાયમંડ ટ્રોફી મળશે.