નામ બડે દર્શન છોટે: વિરાટ, રોહિત સ્વેચ્છાએ ન હટે તો માનભેર વિદાય આપો
મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં હાર સાથે ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક નાલેશી નોંધાવી દીધી. જસપ્રિત બૂમરાહ અને મોહમ્મદ સિરાજની જબરદસ્ત બોલિંગના સહારે ભારતે બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાનો કેટલા રનમાં વીંટો વાળી દીધો પછી ભારતે જીત માટે 340 રન કરવાના હતા. ટેસ્ટની ચોથી ઈનિંગમાં 340 રન કરવા કપરા છે ને ભારત પાસે પૂરતો સમય પણ નહોતો તેથી ભારતીય ક્રિકેટ ટીમ આ સ્કોર ચેઝ કરીને ઐતિહાસિક જીત મેળવે એવી સૌ અપેક્ષા રાખતાં નહતાં પણ છેલ્લો દિવસ હોવાથી શાંતિથી રમીને મેચને ડ્રોમાં ખેંચી કાઢે એવી અપેક્ષા સૌને ચોક્કસ હતી પણ ભારતીય ટીમે શરમજનક ધબડકો કરીને ઈજજત કાઢી.
આ શરમજનક હારનું બહુ વિશ્ર્લેષણ કરી શકાય તેમ નથી કેમ કે તેમાં કોઠી ધોઈને કાદવ જ કાઢવાનો છે, પણ આ દેખાવ જોયા પછી એક વાત સ્પષ્ટ છે કે, ભારતે હવે વિરાટ કોહલી, રોહિત શર્મા એ બે કહેવાતા ધુરંધરોને બાજુ પર મૂકીને આગળ વધવાની જરૂૂર છે. આ એક ટેસ્ટની વાત નથી પણ સળંગ છેલ્લા કેટલાય સમયથી તેમની બેટિંગ જોયા પછી લાગે કે, બંને ટીમ માટે બોજ બની ગયા છે. બંને અનુભવી હોવા છતાં ટીમને જીતાડવામાં તો કામના નથી જ પણ ટેસ્ટને ડ્રોમાં ખેંચવા માટે પણ નકામા છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને હવે ચાલે એમ નથી અને ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં બંનેએ ધોળકું ધોળ્યું છે. રોહિત તો કેપ્ટન તરીકે પણ સાવ નિષ્ફળ ગયો છે અને બેટથી પણ કંઈ યોગદાન આપ્યું નથી એ જોતાં તેને વેળાસર વિદાય કરવાની જરૂૂર છે. રોહિત શર્માએ આખી સિરીઝમાં વારંવાર પોતાનો બેટિંગ ક્રમ બદલ્યો છતાં મેળ પડ્યો નથી. ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં રોહિત ઓપનીંગ કરવા આવ્યો હતો પણ 3 રન બનાવીને પેટ કમિન્સનો શિકાર બની ગયો હતો. બીજી ઈનિંગમાં પણ માત્ર 9 રન કરી શક્યો. પેટ કમિન્સ અને સ્ટાર્ક સામે રોહિત શર્માની હેસિયત જ ના હોય એવું લાગે છે. રોહિત શર્માએ છેલ્લી 14 ઇનિંગ્સમાં 11 રનની સરેરાશથી માત્ર 155 રન બનાવ્યા છે એ જોતાં તે ઈન્ટરનેશનલ ક્રિકેટને લાયક જ નથી.
આવી એવરેજ તો બૂમરાહની હશે. વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં સદી કરી હતી પણ એ પછીનો તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 36 રન જ રહ્યો છે. વિરાટ કોહલીએ આ સિરીઝમાં પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 5 રન કરેલા પણ બીજી ઇનિંગમાં સદી ફટકારીને ચાહકોમાં પુનરાગમનની આશા જગાવી હતી પણ પછી સતત ધોળકું ધોળ્યું છે. આ પછી ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં વિરાટે 36 રનની ઇનિંગ રમી હતી. વિરાટ બીજી ઈનિંગમાં પણ તેનું બેટ ચાલ્યું ન હતું અને તે 5 રન બનાવીને મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. વિરાટ ભારતીય બેટિંગનો આધારસ્તંભ ગણાય છે, પણ આ દેખાવ જોયા પછી લાગે કે, ભારતે તેના બદલે નવા ખેલાડીને તક આપવાની જરૂૂર છે. રાહુલને તો ટીમમાં શું કરવા લે છે એ જ ખબર પડતી નથી કેમ કે તેના જેટલો અસાતત્યપૂર્ણ રમનારો ખેલાડી જ બીજો નથી.