દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે મુનાફ પટેલની નિમણૂક
આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. હાલમાં જ તમામ 10 ટીમોએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ટીમે પહેલેથી જ તેની તૈયારીઓને મજબૂત કરવાનું શરૂૂ કરી દીધું છે. દિલ્હી કેપિટલ્સે ટીમના નવા બોલિંગ કોચ તરીકે ભારત માટે વર્લ્ડ કપ જીતનાર ખેલાડીની નિમણૂક કરી છે. આ ખેલાડીઓએ પણ પોતાની કારકિર્દીમાં શાનદાર બોલિંગ કરી હતી.આ ખેલાડી બીજું કોઈ નહીં પણ મુનાફ પટેલ છે. હેમાન બદાણીને ગયા મહિને ટીમના નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. બદાણી આ સિઝનમાં મુનાફ પટેલના અનુભવનો પૂરો ઉપયોગ કરવા ઈચ્છશે. મુનાફ પટેલ હાલમાં 41 વર્ષના છે અને તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે.
તેમણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. મુનાફ પટેલે વર્ષ 2011માં ઓડીઆઇ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, તેણે 13 ટેસ્ટ મેચમાં 35 વિકેટ, 70 ઓડીઆઇ મેચોમાં 86 વિકેટ અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4 વિકેટ ઝડપી છે. મુનાફ પટેલ આઈપીએલમાં ત્રણ ટીમો તરફથી રમી ચૂક્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સ (2008-10), મુંબઈ ઈન્ડિયન્સ (2011-13) અને ગુજરાત લાયન્સ (2017)ના નામ સામેલ છે. તેણે 63 આઇપીએલ મેચમાં 74 વિકેટ લીધી છે. મુનાફ પટેલ પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતા છે. આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. જ્યાં તેઓ 14માંથી માત્ર 7 મેચ જીતી શક્યા હતા. જેના કારણે તેની ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહી.
ફ્રેન્ચાઇઝીએ જુલાઇમાં મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને તેના સ્ટાફને બરતરફ કરી દીધા હતા અને તેમની જગ્યાએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાનીને નિયુક્ત કર્યા હતા. આઇપીએલમાં પણ આ વખતે દિલ્હીની ટીમે પોતાના કેપ્ટન ઋષભ પંતને બહાર કરી દીધો છે. આવી સ્થિતિમાં દિલ્હીની ટીમ નવી શરૂૂઆત કરવા માંગે છે.