મોહમ્મદ શમીને આંચકો, પૂર્વ પત્નીને પ્રતિ માસ 4 લાખ ભરણપોષણ ચૂકવવા આદેશ
હસીન જહાંએ અલીપુર કોર્ટના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી અને સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા હાઇકોર્ટે શમીને તેની પત્ની હસીન જહાં અને પુત્રીને દર મહિને 4 લાખ રૂૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
હાઇકોર્ટે ક્રિકેટર શમીને હસીન જહાંને દર મહિને 1.5 લાખ રૂૂપિયા અને તેની સગીર પુત્રીના ખર્ચ માટે દર મહિને 2.5 લાખ રૂૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. એટલે કે શમી તેની પત્ની અને પુત્રીને દર મહિને કુલ 4 લાખ રૂૂપિયા ચૂકવશે.
2018 મા હસીન જહાંએ માસિક ભથ્થા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણીએ શમી પાસેથી 10 લાખ રૂૂપિયા માસિક ભથ્થાની માંગણી કરી હતી, જેમાંથી 7 લાખ રૂૂપિયા પોતાના માટે અને 3 લાખ રૂૂપિયા તેના પુત્રના શિક્ષણ અને ઉછેર માટે. જોકે, ઓગસ્ટ 2018 મા અલીપોર કોર્ટે શમીને તેની પત્ની માટે દર મહિને 50 હજાર રૂૂપિયા અને તેની પુત્રી માટે 80 હજાર રૂૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
હસીન જહાંએ અલીપોર કોર્ટના નિર્ણયને કોલકાતા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હસીનએ કહ્યું હતું કે વર્ષ 2021 ના આવકવેરા રિટર્ન (ITR) મુજબ, શમીની વાર્ષિક આવક 7.19 કરોડ રૂૂપિયા છે. એટલે કે, દર મહિને 60 લાખ રૂૂપિયાની આવક. જ્યારે મારો માસિક ખર્ચ 6 લાખ રૂૂપિયાથી વધુ છે. કોલકાતા હાઈકોર્ટમા ન્યાયાધીશ અજય મુખર્જીએ જોયું કે અલીપોર કોર્ટનો આદેશ સ્પષ્ટ નથી. શમીની આર્થિક સ્થિતિ સારી છે અને તે વધુ માસિક ભથ્થું ચૂકવવા સક્ષમ છે. હસીનએ ફરીથી લગ્ન કર્યા નથી અને તે તેની પુત્રી સાથે એકલી રહે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમી અને હસીન જહાં વચ્ચે કોઈ છૂટાછેડા થયા નથી. તેની પ્રક્રિયા ચાલી રહી છે. 23 જુલાઈ, 2022 ના રોજ શમીએ તલાક-ઉલ-હસન હેઠળ હસીનને છૂટાછેડાની નોટિસ મોકલી. છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.