મેસીનો મેજીક, માયામીને મેજર લીગ સોકરનું ટાઈટલ અપાવ્યું
આ મહિને ભારતના પ્રવાસે આવનારા આર્જેન્ટિનાના વર્લ્ડ ચેમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી ની આગેવાનીમાં અહીં અમેરિકામાં ઇન્ટર માયામીએ પહેલી વાર મેજર લીગ સોકર નું મોટું ટાઇટલ જીતી લીધું છે. એમએલએસમાં મેસીની આ ત્રીજી જ સીઝન છે અને એમાં તેણે મેજિક બતાવી દીધું છે. માયામીની ટીમ પહેલી જ વખત એમએલએસનો તાજ જીત્યું છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ બેકહેમની સહ-માલિકીવાળી માયામીની ટીમની આ છઠ્ઠી જ સીઝન છે અને એમાં એણે મેસીની મદદથી બહુમૂલ્ય ટ્રોફી જીતી લીધી હતી.
શનિવારે રમાયેલી ફાઇનલમાં માયામીએ વેનકુંવર વાઇટકેપ્સ નામની ટીમને 3-1થી પરાજિત કરી હતી. આ ફાઇનલમાં મેસીએ એક પણ ગોલ નહોતો કર્યો, પરંતુ સાથી ખેલાડીઓને ગોલ કરવા માટે તેણે ખૂબ પ્રેરિત કર્યા હતા અને આખી ટૂર્નામેન્ટમાં માગદર્શન આપીને માયામીની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. માયામી વતી ત્રણ ગોલ થયા હતા. વેનકુંવરના એડિયર ઑકેમ્પોથી આઠમી મિનિટમાં ભૂલથી માયામીના ગોલપોસ્ટમાં ગોલ થતાં માયામીએ 1-0થી સરસાઈ લીધી હતી. 60મી મિનિટમાં અલી અહમદે ગોલ કરીને વેનકુંવરને 1-1ની બરાબરી અપાવી હતી. જોકે 71મી મિનિટમાં માયામીના રોડ્રિગો ડિ પોલે અને મેચના અંતની થોડી ક્ષણો પહેલાં (96મી મિનિટમાં) ટેડિયો ઑલેન્ડેએ અંતિમ ગોલ કર્યો હતો.
2023ની સાલમાં મેસીના સુકાનમાં માયામીએ લીગ્સ કપ જીતી લીધો હતો. ત્યાર બાદ 2024માં માયામીએ સપોર્ટર્સ શીલ્ડનું ટાઇટલ મેળવ્યું હતું. એમએલએસ આ ટીમનું બીજું મોટું ટાઇટલ છે. લિયોનેલ મેસીની શાનદાર કરીઅરની આ (એમએલએસ) 47મી ટ્રોફી છે. તેણે ઇન્ટર માયામી ટીમ વતી 50 મેચ રમીને કુલ 53 ગોલ કર્યા છે તેમ જ ટીમના બીજા અનેક ગોલમાં પણ મેસીનું આડકતરું યોગદાન રહ્યું છે.