પેરિસ ઓલિમ્પિકના પદકવીરોને સ્વતંત્રતા દિવસે મળશે પી.એમ. મોદી
15 ઓગસ્ટના કાર્યક્રમ બાદ વડાપ્રધાન તમામ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરશે
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે ભારતીય મેડલ વિજેતાઓને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને મળશે. આ મુલાકાત સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના યોજાશે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ બાદ પીએમ મોદી બપોરે 1 વાગે તમામ ખેલાડીઓને મળી શકે છે.
પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાયો હતો. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે. પરંતુ ભારત તરફથી બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા હોકી ખેલાડીઓ પીઆર શ્રીજેશ અને મનુ ભાકરને સમાપન સમારોહમાં પરેડ ઓફ નેશન્સ માટે ભારતીય ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
જ્યારે પુરુષ હોકી ટીમ પણ પેરિસમાં હતી. આવી સ્થિતિમાં આ તમામ ખેલાડીઓ અને ભારતીય ટીમ આજે સવારે સ્વદેશ પરત ફર્યા છે. જોકે પેરિસમાં એકમાત્ર સિલ્વર જીતનાર સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા તેની સાથે નહીં આવે. નીરજ ચોપરા પેરિસથી સીધા જ જર્મની જવા રવાના થઈ ગયા છે. તબીબી સલાહ બાદ તે જર્મની ગયો છે. નીરજ હર્નિયાથી પીડિત છે. આવી સ્થિતિમાં મેડિકલ ચેકઅપ માટે તેમને જર્મની જવા માટે કહેવામાં આવ્યું છે. જરૂૂર પડશે તો તેની સર્જરી પણ ત્યાં થશે. આ પછી નીરજ લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફરશે.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો બોન્ઝ મેડલ 10 મીટર એર પિસ્તોલમાં જીત્યો. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી સ્વપ્નિલ કુસાલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો.