મેજર અપસેટ, અફઘાનિસ્તાનની જીત સાથે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ઈબ્રાઈમ ઝાદરાએ 177 રનની ઈનિંગ રમીને રેકોર્ડ સર્જયો, જો રૂટની સદી કામ ન આવી
અફઘાનિસ્તાન ટીમે ક્રિકેટની મોટી ટૂર્નોમેન્ટમાં વધુ એક વાર મેજર અપસેટ સર્જ્યો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની આઠમી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને 8 રનથી મેચ જીતી લીધી હતી. યુવા સ્ટાર ઈબ્રાઈમ ઝાદરાને ઐતિહાસિક ઈનિંગ ખેલીને એકલે હાથે 177 રન ફટકારતાં અફઘાની ટીમે ઈંગ્લેન્ડને 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 317 રન જ કરી શકી હતી આ રીતે તેનો 8 રને પરાજય થયો હતો.
અફઘાનના યુવા સ્ટાર ઈબ્રાહિમ ઝાદરાને અંગ્રેજોને જોરધાર ધોયાં હતા. ઝાદરાને 177 રનની ધમાકેદાર ઈનિંગ ખેલતાં પોતાની ટીમ માટે પહાડી સ્કોર ઊભો કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતી વખતે ત્રણ વિકેટો શરૂૂઆતમાં ગુમાવી દીધી હતી, ત્યારબાદ 23 વર્ષીય યુવા ઓપનર ઝદરાને ઇનિંગ્સની કમાન સંભાળી અને પછી ગતિ વધારી અને શાનદાર સદી ફટકારી હતી. ઝાદરાન છેલ્લી ઓવર સુધી રહ્યો અને 146 બોલમાં 177 રનની આશ્ચર્યજનક ઈનિંગ રમી હતી. 177 રન બનાવીને ઝાદરાને આ જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડના બેન ડકેટના 165 રનનો રેકોર્ડ તોડ્યો હતો અને અત્યાર સુધી સૌથી વધુ રન ફટકારનાર ખેલાડી બની રહ્યો છે.
ઇંગ્લેન્ડની ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે માત્ર 30 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. અઝમતુલ્લાહ ઉમરઝાઈએ ફિલ સોલ્ટ (12) ને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ મોહમ્મદ નબીએ જેમી સ્મિથ (9) ને પોતાના હાથે કેચ કરાવ્યો. બેન ડકેટે જો રૂૂટ સાથે 68 રનની ભાગીદારી કરી હતી પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. ઇંગ્લેન્ડને 98 રનના સ્કોર પર ત્રીજો ફટકો પડ્યો. પરંતુ ઇંગ્લેન્ડની અડધી ટીમ 216 ના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ વતી સૌથી વધુ રન જો રુટે કર્યાં હતા. રુટે 98 બોલમાં સદી ફટકારી હતી અને 120 રન બનાવીને આઉટ થયો હતો.
અફઘાનિસ્તાન જીત સાથે ઈંગ્લેન્ડ સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. જોકે તેની હજુ સાઉથ આફ્રિકા સામે છેલ્લી મેચ બાકી છે. 28 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે તો 1 માર્ચે ઈંગ્લેન્ડ સાઉથ આફ્રિકા સામે તેની છેલ્લી મેચ રમશે.