પુરુષોની જેમ ભારતીય મહિલા ટીમ પણ પાકિસ્તાન સાથે હાથ નહીં મિલાવે
એશિયા કપ દરમિયાન ભારતીય પુરુષ ટીમે લીધેલા વલણને અનુસરીને, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પણ 5 ઓક્ટોબરે કોલંબોમાં બંને ટીમો વચ્ચે ટક્કર થશે ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે નહીં. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ PTIને જણાવ્યું હતું કે- BCCI સરકારની નીતિનું પાલન કરે છે. ટોસ સમયે કોઈ હાથ મિલાવશે નહીં, મેચ રેફરી સાથે ફોટો પડાવશે નહીં અને મેચના અંતે ખેલાડીઓ વચ્ચે કોઈ હાથ મિલાવશે નહીં. મહિલા ટીમ પુરુષોની ટીમ જેવી જ નીતિનું પાલન કરશે.
કોલંબોમાં બીજો રસપ્રદ મુદ્દો એ હશે કે ટોસ કોણ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોઈ ભૂતપૂર્વ ખેલાડી અથવા તટસ્થ દેશના નિષ્ણાત આ જવાબદારી સંભાળશે. આ વાતાવરણ 2022ના ODI વર્લ્ડ કપ (ન્યુઝીલેન્ડ) કરતા સંપૂર્ણપણે અલગ હશે, જ્યારે ભારતીય ખેલાડીઓના પાકિસ્તાનના કેપ્ટન બિસ્માહ મારૂૂફની બાળકી સાથેના ફોટા વાયરલ થયા હતા. આ વખતે, હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનના કેપ્ટન ફાતિમા સના વચ્ચે ઔપચારિક શુભેચ્છાઓની આપ-લે પણ અશક્ય લાગે છે.
અહેવાલ મુજબ, ટીમ વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમ સાથે હાથ નહીં મિલાવશે. BCCIના વરિષ્ઠ અધિકારીઓએ ટીમને આ અંગે જાણ કરી છે. ભારતીય બોર્ડ તેના ખેલાડીઓ સાથે ઊભું રહેશે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે મેચ રમવા માટે કોલંબો ગઈ છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવને કારણે, PCBએ તેની ટીમને ભારત મોકલી નથી, જેના કારણે આ મેચ કોલંબોમાં યોજાઈ રહી છે.