લીડ્સ ટેસ્ટ રોમાંચક, ટીમ ઇન્ડિયાને જીતવા 10 વિકેટ તો ઇંગ્લેન્ડને 350 રનની જરૂર
કે.એલ. રાહુલ, પંતની સદી બાદ ધબડકો, ઇંગ્લેન્ડની સંગીન શરૂઆત
લીડ્સના હેડિંગ્લી મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો. ભારતીય ટીમે દિવસના પહેલા બે સત્રોમાં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું, જેમાં કેએલ રાહુલ અને ઋષભ પંતે સદી ફટકારી અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. પરંતુ ચાના સમય પછી, ભારતીય બેટિંગ અચાનક પડી ભાંગી અને દિવસના અંત સુધીમાં ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્યનો પીછો કરવાનું શરૂૂ કર્યું, જેનાથી મેચ રોમાંચક બની ગઈ છે.
ભારતે ચોથા દિવસે 90/2થી પોતાનો બીજો દાવ શરૂૂ કર્યો. કેએલ રાહુલ અને ઋષભ પંતે ઇનિંગ સંભાળી અને મોટો સ્કોર બનાવ્યો. રાહુલે 247 બોલમાં 137 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે પંતે 118 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી. પરંતુ ટી બ્રેક પછી ભારતીય બેટિંગ સંપૂર્ણપણે પડી ભાંગી. રાહુલ 84.2મી ઓવરમાં બ્રાયડન કાર્સે દ્વારા બોલ્ડ થયો. આ પછી ટીમ ઇન્ડિયાએ ફક્ત 31 રન ઉમેર્યા અને ઓલઆઉટ થઈ ગઈ.
આ ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી બ્રાઇડન કાર્સ અને જોશ ટોંગે 3-3 વિકેટ લીધી, જ્યારે શોએબ બશીરે 2 વિકેટ લીધી. તે જ સમયે બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સને 1-1 સફળતા મળી ટીમ ઇન્ડિયાને પ્રથમ ઇનિંગના આધારે 6 રનની લીડ મળી હતી. આવી સ્થિતિમા ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે 371 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે ચોથા દિવસના અંત સુધી એક પણ વિકેટ ગુમાવી નથી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે દિવસના અંત સુધીમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. બેન ડકેટ 9 રન અને જેક ક્રોલી 12 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. બંને ખેલાડીઓએ ખૂબ જ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને ભારતીય બોલરોને કોઈ સફળતા અપાવી નહીં. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે શરૂૂઆતની ઓવરોમાં પ્રયાસ કર્યો, પરંતુ ઈંગ્લેન્ડના ઓપનરોએ કોઈ ભૂલ કરી નહીં. આવી સ્થિતિમા રમતનો છેલ્લો દિવસ ખૂબ જ રોમાંચક બનવાનો છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 350 વધુ રન બનાવવા પડશે. તે જ સમયે ભારતને જીત નોંધાવવા માટે 10 વિકેટ લેવી પડશે.
વિદેશ પ્રવાસમાં ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પંત વિશ્ર્વના પ્રથમ વિકેટકીપર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી લીડ્સ ટેસ્ટ મેચમાં એક અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને 93 વર્ષના ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. પંત ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યા છે.પંતે પહેલી ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા અને હવે બીજી ઇનિંગમાં માત્ર 120 બોલમાં પોતાની સદી પૂરી કરીને આ મહાન સિદ્ધિ મેળવી છે. આ સાથે જ, તેઓ રેડ-બોલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર પણ બની ગયા છે. એટલું જ નહીં, વિદેશ પ્રવાસ પર રમતી વખતે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર તેઓ વિશ્વના પ્રથમ વિકેટકીપર બેટ્સમેન પણ બન્યા છે, જે એક અસાધારણ કારનામું છે.વિકેટકીપર તરીકે બંને ઇનિંગ્સમાં સદી ફટકારવાનો રેકોર્ડ સૌપ્રથમ ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં બનાવ્યો હતો અને હવે ઋષભ પંત તેમના પછી આ સિદ્ધિ હાંસલ કરનાર બીજા વિકેટકીપર બન્યા છે. ઋષભ પંત એક જ ટેસ્ટ મેચની 2 ઇનિંગ્સમાં સદી ફટકારનાર સાતમા ભારતીય બેટ્સમેન બન્યા છે. આ અગાઉ, ભારતીય દિગ્ગજો જેવા કે સુનીલ ગાવસ્કર (3 વખત), રાહુલ દ્રવિડ (2 વખત), વિજય હજારે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ એક-એક વખત આ સિદ્ધિ મેળવી છે. હવે પંતનું નામ પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં ઉમેરાઈ ગયું છે, જે ભારતીય ક્રિકેટ માટે ગર્વની ક્ષણ છે. આ પ્રદર્શન પંતને ક્રિકેટ જગતમાં એક વિશિષ્ટ સ્થાન અપાવશે અને ભવિષ્ય માટે તેની પ્રતિભાનો વધુ એક પુરાવો છે.