ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલો
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ હવે ડિલીટ થઈ ચૂકેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિને લઈને કેટલાક આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટીમ મેનેજમેન્ટ પર વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓને બહાર કરવાનો તથા સ્પેશિયાલિસ્ટને બદલે ઓલરાઉન્ડરો પર વધુ પડતો ભાર મૂકવાનો આરોપ લગાવ્યો હતો. વિકાસ કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું, એક સમય હતો જ્યારે અમે વિદેશમાં જીતવા માટે રમતા હતા હવે અમે ભારતમાં જ મેચ બચાવવા માટે રમી રહ્યા છીએ આ ત્યારે થાય છે જ્યારે તમે સાહેબગીરી પર ઉતરી જાઓ છો અને જે વસ્તુઓ બરાબર ચાલી રહી હોય તેમાં બિનજરૂૂરી ફેરફાર કરો છો.
તેમણે એક અન્ય પોસ્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની રણનીતિના ફરક વિશે વાત કરી હતી અને સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, ચાલો નજર નાંખીએ. ટીમ ઈન્ડિયાની વ્યૂહનીતિ: વરિષ્ઠ અનુભવી ખેલાડીઓને દૂર કરો, 3/4/5 પ્રોપર બોલરોને દૂર કરો, ત્રણ નંબર પર બોલરને રમાડો, ફક્ત ઓલરાઉન્ડરને રમાડો હું હકીકતમાં ઇચ્છું છું કે, ભારત જીતે પરંતુ હવે સવાલ પૂછવાની જરૂૂર છે, કોણ જવાબદાર છે? વિકાસ કોહલીએ ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે સોશિયલ મીડિયા સાઇટ થ્રેડ્સ પર આ પોસ્ટ દ્વારા ભારતીય ટીમની દુર્દશાના કારણો ગણાવ્યા હતા. પરંતુ નિશ્ચિતપણે તેમનું નિશાન ટીમ મેનેજમેન્ટ પર હતું, જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સામેલ છે. જોકે, બાદમાં વિકાસ કોહલીએ આ પોસ્ટને ડિલીટ કરી દીધી, પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા હતા.