RMG પર પ્રતિબંધથી કોહલી, ધોની, રોહિતને કરોડોનું નુકસાન
ઘણા ભારતીય ક્રિકેટરો આ ગેમિંગ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર છે
ભારતમાં તાજેતરમાં પાસ થયેલા ઓનલાઈન ગેમિંગ બિલ 2025 એ ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. આ બિલમાં રિયલ મની ગેમિંગ (RMG) પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ફેન્ટસી ક્રિકેટ, રમી અને પોકર જેવી રમતોનો સમાવેશ થાય છે. આ કાયદાની અસર ફક્ત ગેમિંગ ઉદ્યોગ પર જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ, ખેલાડીઓ અને તેની સાથે સંકળાયેલા સ્પોન્સરશિપ પર પણ પડી શકે છે. અહેવાલો અનુસાર, રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજો કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાના છે.
21 ઓગસ્ટ 2025ના રોજ, ભારતની સંસદે ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન અને નિયમન માટે એક બિલ પસાર કર્યું, જેમાં રિયલ મની ગેમિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બિલ હેઠળ, રિયલ મની સંબંધિત ઓનલાઈન ગેમ્સ રમવા અથવા હોસ્ટ કરવા પર 3 વર્ષની જેલ અને 1-2 કરોડ રૂૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, આવા પ્લેટફોર્મના પ્રમોશન અને જાહેરાત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઘણા ભારતીય ક્રિકેટરો આ ગેમિંગ પ્લેટફોર્મના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ બિલ પછી, આ ખેલાડીઓની કમાણી પર પણ અસર પડી શકે છે. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, રિષભ પંત, હાર્દિક અને કૃણાલ પંડ્યા ડ્રીમ 11 સાથે સંકળાયેલા હતા. જ્યારે ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ અને સૌરવ ગાંગુલી My11 સર્કલનું પ્રમોશન કરી રહ્યા હતા. વિરાટ કોહલીએ પણ MPLનું પ્રમોશન કર્યું, જ્યારે MS ધોનીએ WinZOનું પ્રમોશન કર્યું.
એક અહેવાલ મુજબ, કોહલીનો કરાર વાર્ષિક આશરે 10-12 કરોડ રૂૂપિયા હતો, જ્યારે રોહિત શર્મા અને ધોનીને 6-7 કરોડ રૂૂપિયા ચૂકવવામાં આવતા હતા. યુવા ખેલાડીઓ માટે, આ આંકડો લગભગ 1 કરોડ રૂૂપિયા છે. એકંદરે, આ બિલ પછી ભારતીય ક્રિકેટરોને દર વર્ષે 150-200 કરોડ રૂૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે.