કોહલી, અક્ષર, હાર્દિક, કુલદીપ, ગિલ ભારતના વિજયના 5 સુપર હીરો
કિંગ કોહલીના વન ડે ફોર્મેટમાં 14 હજાર રન પૂરા, વન ડે કેરિયરની 51મી સદી ફટકારી
પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય: ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર વન
પાકિસ્તાનને હરાવીને, ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
રવિવારે ભારતે પહેલા પાકિસ્તાનને 241 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ત્યારબાદ 43મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની બીજી જીત છે. ભારત હવે પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ ખેલાડીઓને ભારતના વિજયના પાંચ હીરો કહી શકાય.
1. વિરાટ કોહલીની રેકોર્ડ સદી : વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 111 બોલમાં 100 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન, કોહલીએ શ્રેયસ ઐયર સાથે 114 રન અને શુભમન ગિલ સાથે 69 રનની ભાગીદારી કરી. પોતાની ઇનિંગ દરમિયાન, કિંગ કોહલીએ ઓડીઆઈ ફોર્મેટમાં 14 હજાર રન પૂરા કર્યા. તેણે મેચનો વિજેતા શોટ રમ્યો. આ શોટ સાથે તેની સદી પણ પૂર્ણ થઈ. આ તેની વનડે કારકિર્દીની 51મી સદી છે. આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.
2. અક્ષર પટેલની ઓલરાઉન્ડ રમત : હાલમાં, અક્ષર પટેલ રોહિત બ્રિગેડનો એ ખેલાડી સાબિત થઈ રહ્યો છે, જેનો ઉપયોગ જ્યારે પણ અને જ્યાં ઇચ્છો ત્યાં થઈ શકે છે. આ મેચમાં અક્ષરે રિઝવાનને બોલ્ડ આઉટ કરીને પાકિસ્તાનની સૌથી મોટી ભાગીદારી તોડી હતી. અગાઉ, તેણે ઇમામ ઉલ હકને ડાયરેક્ટ થ્રોથી રન આઉટ કર્યો. તેણે હરિસ રૌફને રન આઉટ કરવામાં પણ ભૂમિકા ભજવી હતી. અક્ષરે તેની 10 ઓવરમાં 49 રન આપ્યા.
3. હાર્દિક પંડ્યા અસરકારક બોલર : આ મેચમાં હાર્દિક પંડ્યા સૌથી અસરકારક ઝડપી બોલર સાબિત થયો. જોકે મોહમ્મદ શમી અને હર્ષિત રાણાએ પણ સારી બોલિંગ કરી હતી પરંતુ તેઓ ટીમને શરૂૂઆતની સફળતા આપી શક્યા ન હતા. આ પછી, પ્રથમ ચેન્જ પર બોલિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ બાબર આઝમને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો અને ભારતને પહેલી વિકેટ અપાવી.
4. કુલદીપ યાદવે સૌથી વધુ વિકેટ લીધી ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો. તેણે પાકિસ્તાનના સલમાન આગા, શાહીન આફ્રિદી અને નસીમ શાહને આઉટ કર્યા. તેણે સલમાન આગાહ અને આફ્રિદીને સતત બે બોલ પર આઉટ કર્યા, જેનાથી પાકિસ્તાનનો સ્કોર 5 વિકેટે 200 થી 7 વિકેટે 200 થઈ ગયો. તેણે 9 ઓવરના સ્પેલમાં ફક્ત 40 રન આપ્યા.
5. શ્રેયસ અને શુભમન વચ્ચે ટાઇ મેચના પાંચમા હીરો માટે શ્રેયસ ઐયર અને શુભમન ગિલ વચ્ચે ટાઇ છે. શ્રેયસ ઐયરે 67 બોલમાં 56 રનની ઇનિંગ રમી. શુભમન ગિલ 4 રનથી અડધી સદી ચૂકી ગયો. પરંતુ જે રીતે તેણે પહેલા રોહિત શર્મા અને પછી વિરાટ કોહલી સાથે ભાગીદારી કરી, તેનાથી પાકિસ્તાનનું મનોબળ તૂટી ગયું.
મોહમ્મદ શમીની 11 બોલની અનોખી ઓવર
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીથી થઇ ગઇ મોટી ભૂલ.શમીની આ ઓવર ચેમ્પિયન ટ્રોફિમાં ભારત માટે સૌથી લાંબી ઓવર.જ્યારે આખી ટૂર્નામેન્ટની બીજી સૌથી મોટી ઓવર.શમીએ આ ઓવરને પૂરી કરવા માટે 11 બોલ નાખ્યા.અને આ રીતે તેને બુમરાહની 9 બોલની ઓવરને પાછળ છોડી જે 2017ની ચેમ્પિયન ટ્રોફિ ફાઇનલમાં પાકિસ્તાન સામે નાખી હતી. ત્યારે ભારત તરફથી પહેલી ઓવર નાખવા મોહમ્મદ શમી દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઉતર્યો હતો આ મેચની ઓવર એટલી લાંબી ચાલી કે શમીના નામે એક રેકોર્ડ નોંધાઇ ગયો.34 વર્ષીય શમીએ પાકિસ્તાન સામે પહેલી ઓવર માટે 11 બોલ ફેંકી.જેમાંથી 5 બોલ વાઇડ હતા.આ રીતે શમીએ તેમના નામે અનોખો રેકોર્ડ નોંધાવ્યો.અને ફાસ્ટ બોલર બુમરાહને પાછળ છોડી દીધો. પાકિસ્તાન સામેની મેચમાં પ્રથમ ત્રણ ઓવર બોલિંગ કર્યા પછી મોહમ્મદ શમીએ મેદાન છોડી દીધુ હતુ. જ્યારે તે ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે તેને પગની ઘૂંટીમાં થોડી સમસ્યા અનુભવાઈ. કોઈક રીતે તેણે આ પૂર્ણ કર્યું અને તરત જ તે સમાપ્ત થતાંની સાથે જ તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો.
ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે
પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. ભારતે સતત બે મેચ જીતી છે. આ સાથે ટીમ ઈન્ડિયા હવે તેના ગ્રુપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ન્યુઝીલેન્ડને બીજા ક્રમે આવી ગયું છે. જોકે ન્યુઝીલેન્ડ પાસે હજુ પણ ટોચ પર પહોંચવાની તક રહેશે. ભારતના ગ્રુપમાં કોણ પહેલા આવશે તે મોટાભાગે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ દ્વારા નક્કી થશે, જે 2 માર્ચે એક અઠવાડિયા પછી દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા બીજા સ્થાને હતી. ન્યુઝીલેન્ડની ટીમ પહેલા નંબર વન પર હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. આ મેચ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ એક મેચ જીતીને અને વધુ સારા રન રેટના આધારે આગળ હતી. પરંતુ હવે ભારતના ચાર પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ પ્લસ 1.20 છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં ભારતનો નેટ રન રેટ પ્લસ 0.408 હતો.જે હવે વધીને પ્લસ 0.647 થયો છે.