જુનિયર તેંડુલકરનો તરખાટ, માત્ર 25 રનમાં 5 વિકેટ ઝડપી
રણજી ટ્રોફીમાં ઝળકયો, ગોવા સામે અરૂણાચલ 84માં ઓલઆઉટ
રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં આજે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કમાલની બોલિંગ કરી હતી અને વર્ષોથી પોતે જે અનેરી સિદ્ધિની રાહ જોઈ રહ્યો હતો એ મેળવી હતી. તે રણજીમાં ગોવા વતી રમે છે અને અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં તેણે માત્ર પચીસ રનમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે કરીઅરની શરૂૂઆત કર્યા બાદ છેક 17મી ફર્સ્ટ-ક્લાસ મેચમાં આ ઉપલબ્ધિ મેળવી છે.
પચીસ વર્ષીય લેફ્ટ-આર્મ મિડિયમ ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકરના તરખાટ (9-3-25-5)ને લીધે અરુણાચલની ટીમ ફક્ત 84 રનમાં ઓલઆઉટ થઈ હતી.ગોવાના ઑફ-સ્પિનર મોહિત રેડકરે ત્રણ વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર કિથ પિન્ટોએ બે વિકેટ લીધી હતી.
અર્જુનનો આ પહેલાંનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ 4/49નો હતો. તે પહેલી વાર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક દાવમાં પાંચ વિકેટ લેવામાં સફળ થયો છે. અરુણાચલના કેપ્ટન નબામ ઍબો (અણનમ પચીસ રન) સિવાય બીજો કોઈ બેટર પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો.
ગોવા અને અરુણાચલ પ્રદેશની આ મેચ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રૂપમાં રમાઈ રહી છે અને ગોવા અગાઉની ચારેય મેચ જીત્યું હતું. અર્જુન છેલ્લે 2022માં મીડિયામાં ચમક્યો હતો. ત્યારે તેણે રાજસ્થાન સામે ગોવા વતી ડેબ્યૂ મેચમાં સેન્ચુરી ફટકારી હતી.