જય શાહની મંજૂરી, ચેમ્પિયન ટ્રોફી માટે PCBને મળશે 586 કરોડ
આગામી ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન યોજાશે, ભારતના પાકિસ્તાન જવાના ચાન્સ ઓછા
29 વર્ષની લાંબી રાહ બાદ પાકિસ્તાનમાં આઇસીસી ટૂર્નામેન્ટનું આયોજન થશે. જોકે ભારતીય ટીમ પાકિસ્તાન જશે તેવી કોઈ શક્યતા લાગી રહી નથી. આ બધા વચ્ચે પીસીબીને ટુર્નામેન્ટના આયોજન માટે 586 કરોડ રૂપિયાની મંજૂરી મળી ગઈ છે. જેને બીસીસીઆઇ સેક્રેટરી અને આઇસીસી ફાઈનાન્સ અને કોમર્શિયલ કમિટીના અધ્યક્ષ જય શાહે મંજૂરી આપી છે.
આ ટૂર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચ 2025માં પાકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે, જેમાં 8 ટીમો ભાગ લેવાની છે. હાલમાં આમાં સૌથી મોટી અડચણ ટીમ ઈન્ડિયાની ભાગીદારી છે કારણ કે ભારતીય ટીમના પાકિસ્તાન જવાના ચાન્સ ઓછા છે. આ અંગે પાકિસ્તાનમાં સતત હોબાળો ચાલી રહ્યો છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને ટીમ મોકલવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
આવું થશે કે નહીં તે તો આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં જય શાહે ટૂર્નામેન્ટના આયોજન માટે પાકિસ્તાનને 70 મિલિયન ડોલર એટલે કે 586 કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું છે. જો કે, આમાંથી પણ એ સ્પષ્ટ નથી કે આખી ટુર્નામેન્ટનું આયોજન માત્ર પાકિસ્તાનમાં જ થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીસીબી અને આઇસીસીના નાણા વિભાગ દ્વારા ટૂર્નામેન્ટ માટે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેની જય શાહની કમિટીએ તપાસ કરી હતી અને પછી બજેટ પાસ થઈ હતી. જ્યારે આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આશા જાગી હશે કે હવે ટૂર્નામેન્ટ સંપૂર્ણપણે તેમના દેશમાં જ આયોજિત કરવામાં આવશે, પરંતુ એવું નથી. હજુ પણ હાઈબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની શક્યતા સૌથી વધુ છે. તેથી જ જય શાહની આગેવાની હેઠળની સમિતિએ ટુર્નામેન્ટ માટે 4.5 મિલિયન ડોલર એટલે કે રૂ. 37.67 કરોડનું વધારાનું બજેટ પણ રાખ્યું છે. તેનો ઉપયોગ અન્ય દેશોમાં ભારતની મેચોનું આયોજન કરવા માટે કરી શકાય છે.