રેકોડ્ર્સની વણઝાર વચ્ચે રાંચી વન ડેમાં ભારતની દ.આફ્રિકા સામે શાનદાર જીત
એક જ ફોર્મેટમાં સૌથી વધુ 52 સદીનો કોહલીનો રેકોર્ડ, વન-ડે માં સૌથી વધુ સિક્સરનો આફ્રિદીનો રેકોર્ડ રોહિતે તોડ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ વન-ડે રવીવારે રાંચીમા યોજાઇ હતી જેમા ભારતે 349 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો જેનો જબરજસ્ત મુકાબલો કરવા છતાય સાઉથ આફ્રિકાની ટીમનો 17 રનથી પરાજય થયો હતો. આ જીત સાથે સાથે ભારતે વિવિધ રેકોર્ડસની પણ વણઝાર સર્જી હતી.
રોહિતે તોડ્યો શાહિદ આફ્રિદીનો રેકોર્ડ : 20મી ઓવરમાં રોહિત શર્માએ માર્કો યાન્સેનના બોલ પર શાનદાર સિક્સર ફટકારી, અને આ જ શોટ સાથે તે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર બની ગયો. રોહિતે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના 351 સિક્સરના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો.
કોહલી એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર : વિરાટ કોહલી હવે એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે વન-ડે ક્રિકેટમાં 52મી સદી પૂરી કરી, જે આ ફોર્મેટનો વર્લ્ડ રેકોર્ડ છે. તેના પછી ટેસ્ટ ક્રિકેટમાં 51 સદીઓ સાથે સચિન તેંડુલકર બીજા સ્થાને આવે છે. જ્યારે ઝ20 ઈન્ટરનેશનલમાં 5 સદીઓ સાથે રોહિત શર્મા સૌથી નાના ફોર્મેટમાં ટોચ પર છે.
રોહિત-વિરાટ સૌથી વધુ મેચ રમનારી ભારતીય જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે એકસાથે ભારત માટે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનારી જોડી બની ગઈ છે. બંનેએ સાથે મળીને 392મી મેચ રમી. દુનિયાની સૌથી સફળ જોડીઓની વાત કરીએ તો, રેકોર્ડમાં સૌથી ઉપર શ્રીલંકાના મહેલા જયવર્દને અને કુમાર સંગાકારા છે, જેમણે સાથે મળીને 550 મેચ રમી છે. ભારતીય જોડીઓમાં રોહિત-વિરાટ પછી સચિન તેંડુલકર-રાહુલ દ્રવિડની જોડી આવે છે, જેમણે 391 મેચ એકસાથે રમી છે.
કોહલી-રોહિતે 52મી વખત 50 ભાગીદારી કરી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વન-ડેમાં તેમની 52મી 50 ભાગીદારી પૂરી કરી. રેકોર્ડ્સમાં સૌથી ઉપર સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડી છે, જેમણે 83 વખત પચાસથી વધુની ભાગીદારી બનાવી છે. તેમના પછી સચિન-દ્રવિડની જોડી 74 વખત, જ્યારે ગંભીર-સેહવાગની જોડી 53 વખત આ કારનામું કરી ચૂકી છે.
કોહલીએ જઅ સામે સૌથી વધુ વન-ડે સદી ફટકારી : વિરાટ કોહલી હવે સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. કોહલીએ માત્ર 30 મેચમાં જ 6 સદી ફટકારી દીધી. તેના પછી ડેવિડ વોર્નરનો નંબર આવે છે, જેણે 30 મેચમાં 5 સદી ફટકારી છે.
કોહલી-રોહિતે 20મી વખત વન-ડેમાં સેન્ચુરીની પાર્ટનરશિપ કરી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વન-ડેમાં તેમની 20મી સદીની ભાગીદારી પૂરી કરી લીધી. સૌથી ઉપર હજુ પણ સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડી છે, જેમણે રેકોર્ડ 26 વખત 100થી વધુની ભાગીદારી કરી છે. રોહિત અને કોહલી માટે આ સતત બીજી સદીની ભાગીદારી પણ રહી. આ પહેલા બંનેએ સિડનીમાં અણનમ 168 રન જોડ્યા હતા.
રોહિતે સાઉથ આફ્રિકા સામે 2 હજાર રન પૂરા કર્યા રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે 2000 ઈન્ટરનેશનલ રન પૂરા કર્યા છે. રોહિતે અત્યાર સુધી 56 મેચની 63 ઇનિંગ્સમાં રમતા 2030 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 212 છે અને સરેરાશ 33.83 રહી છે. રોહિતે સાઉથ આફ્રિકા સામે 7 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. પ્રથમ સ્થાને સચિન તેંડુલકર છે, જેના નામે 3752 રન છે.
કોહલીએ રાંચીમાં ત્રીજી સેન્ચુરી ફટકારી : વિરાટ કોહલીએ રાંચીમાં પોતાની ત્રીજી વન-ડે સદી ફટકારી. આ માટે તેને માત્ર 5 ઇનિંગ્સ લાગી. આ નવી સિદ્ધિ સાથે કોહલી ભારતમાં એક જ સ્થળે સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેના પછી સચિન તેંડુલકરનો નંબર આવે છે, જેમણે વડોદરામાં 7 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી હતી.
રાંચીમાં ભારતે હાઇએસ્ટ ટોટલ બનાવ્યો : ભારતે રાંચીનો સૌથી મોટો વન-ડે સ્કોર બનાવ્યો. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે 349/8નો મોટો સ્કોર બનાવ્યો, જે આ મેદાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ટોટલ છે. આ પહેલા રાંચીમાં સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા હતા. ટીમે 2019માં 313/5નો સ્કોર બનાવ્યો હતો.
ભારતનો આ 349/8નો સ્કોર સાઉથ આફ્રિકા સામેનો ઓવરઓલ બીજો સૌથી મોટો ટોટલ પણ છે. આ પહેલા ભારતે 2010માં ગ્વાલિયરમાં 401 રન બનાવ્યા હતા. તે જ મેચમાં સચિન તેંડુલકરે મેન્સ ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
ભારત સતત 19મો ટોસ હાર્યું : ભારત સતત 19 વન-ડે મેચમાં ટોસ હારી ચૂક્યું છે. આ સિલસિલો 2023 વર્લ્ડ કપ ફાઈનલ (અમદાવાદ) થી શરૂૂ થયો હતો અને અત્યાર સુધી ચાલુ છે. ટીમ ઈન્ડિયા વન-ડેમાં છેલ્લે ટોસ 2023ના વાનખેડેમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ સેમિફાઈનલમાં જીતી હતી.
બીજી તરફ વન-ડેમા સૌથી ખરાબ સતત ટોસ હારવાનો સિલસિલો નેધરલેન્ડ્સના નામે રહ્યો છે, જેણે માર્ચ 2011 થી ઑગસ્ટ 2013 ની વચ્ચે 11 વખત સતત ટોસ ગુમાવ્યા હતા.