મહિલા વર્લ્ડ કપમાં છેલ્લી ઘડીએ ભારતનો ધબડકો, ઈંગ્લેન્ડની જીત
ઇન્દોરમાં શું થયું તે માનવું મુશ્કેલ છે. એક સમયે ભારતને 53 બોલમાં 55 રનની જરૂૂર હતી અને મેચ તેમની પકડમાં મજબૂત લાગી રહી હતી. પછી, લિન્સી સ્મિથે મંધાનાને આઉટ કરીને ઇંગ્લેન્ડની વાપસીનો માર્ગ આપ્યો. દીપ્તિએ શાનદાર ઇનિંગ રમી પરંતુ સોફી એક્લેસ્ટોનની અંતિમ ઓવરમાં તેણીએ પોતાની વિકેટ ગુમાવી દીધી. લોરેન બેલે 49મી ઓવરના પહેલા બોલ પર બાઉન્ડ્રી આપવા છતાં માત્ર નવ રન આપ્યા. ભારતે આ મેચ તેમના હાથમાંથી સરકી જવા દીધી. ઇંગ્લેન્ડે રોમાંચક મેચમાં ભારતને 4 રનથી હરાવ્યું. આ હારથી સેમિફાઇનલમાં પહોંચવાની ભારતની આશાઓને ભારે ફટકો પડ્યો. ભારતના પાંચ મેચમાં ચાર પોઇન્ટ છે, જેમાં ત્રણ હાર અને બે જીત છે.
ભારતને જીતવા માટે 289 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરના 70 અને સ્મૃતિ મંધાનાના 88 રનની ઈનિગ છતાં ભારતીય ટીમ મેચ ન જીતી શક્યું. દીપ્તિ શર્માએ 50 રન બનાવ્યા. અંતે, ભારત 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ફક્ત 284 રન જ બનાવી શક્યું. આ જીત સાથે, ઇંગ્લેન્ડે 9 પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.
અગાઉ, 35 વર્ષીય અનુભવી બેટ્સમેન હીથર નાઈટ (109 રન)ની ત્રીજી ODI સદીની મદદથી, ઇંગ્લેન્ડે ઈંઈઈ મહિલા વર્લ્ડ કપ મેચમાં ભારત સામે આઠ વિકેટે 288 રન બનાવ્યા હતા. આ ઇંગ્લેન્ડનો ભારત સામેનો સૌથી મોટો સ્કોર છે અને વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગમાં સૌથી મોટો સ્કોર પણ છે. હિથર ઇંગ્લેન્ડ તરફથી વનડેમાં સદી ફટકારનાર બીજા ક્રમના સૌથી વૃદ્ધ બેટ્સમેન છે. રવિવારે હોલ્કર સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના ઓપનર ટેમી બ્યુમાઉન્ટ (22)ના આઉટ થયા બાદ મેદાન પર ઉતરેલી નાઈટે કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટ (38) સાથે 113 રનની સદી ભાગીદારી કરી.
300મી વનડે રમી રહેલી નાઈટે મધ્યમ ક્રમના બેટ્સમેન સાથે ઉપયોગી ભાગીદારી કરી. તેણીએ 91 બોલમાં 109 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. 34 વર્ષ અને 297 દિવસમાં હીથર ઇંગ્લેન્ડ તરફથી વનડે સદી ફટકારનાર બીજા ક્રમના સૌથી વૃદ્ધ ખેલાડી બની. એમી જોન્સે 56 રનનું યોગદાન આપ્યું.
ભારત માટે દીપ્તિ શર્માએ ચાર વિકેટ લીધી. તે 150 ODI વિકેટ મેળવનારી બીજી ભારતીય મહિલા બોલર બની અને 150 ODI વિકેટ અને 2000 રન બનાવનારી વિશ્વની ચોથી બોલર બની.
