ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ હરેન્દ્રસિંહનું અચાનક રાજીનામું
નબળા પરિણામો જવાબદાર? નવા કોચ તરીકે સોર્ડ મારિજના નામની ચર્ચા
ભારતીય મહિલા હોકી ટીમને આઘાત લાગ્યો જ્યારે મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે અચાનક રાજીનામું આપ્યું. હરેન્દ્ર સિંહે તાત્કાલિક અસરથી હોકી ટીમ છોડી દીધી છે અને પદ છોડવા માટે વ્યક્તિગત કારણો દર્શાવ્યા છે. હોકી ઇન્ડિયાએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે ભારતીય હોકી ટીમના કોચે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે. હરેન્દ્ર સિંહે એપ્રિલ 2024 માં આ પદ સંભાળ્યું હતું અને એવું માનવામાં આવતું હતું કે તેઓ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 સુધી ટીમ સાથે રહેશે પરંતુ તેમણે અધવચ્ચે જ આ પદ છોડી દીધું.
હરેન્દ્ર સિંહે પોતાના રાજીનામા અંગે એક મીડિયા રિલીઝ જારી કરી હતી. તેમણે રિલીઝમાં જણાવ્યું હતું કે, પ ભારતીય મહિલા હોકી ટીમના કોચ બનવું મારા કરિયરની એક મોટી સિદ્ધિ રહી છે . મેં વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ મારું હૃદય હંમેશા આ અદ્ભુત ટીમ સાથે રહેશે. હોકી ઇન્ડિયા સાથેની મારી સફર ખાસ રહેશે, અને હું ભારતીય હોકીને ઉચ્ચતમ સ્તર પર લઈ જવાના તેમના પ્રયાસોમાં તેમને સમર્થન આપવાનું ચાલુ રાખીશ. હોકી ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરેન્દ્ર સિંહે નબળા પરિણામોને કારણે રાજીનામું આપ્યું છે, અને ફિટનેસ પણ એક મુખ્ય મુદ્દો રહ્યો છે.
ટીમના ઘણા મુખ્ય ખેલાડીઓ ઘાયલ છે. એવા અહેવાલો છે કે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ટીમને શાનદાર પ્રદર્શન કરાવનાર કોચ સોર્ડ મારિજને આ પદ પર પાછા ફરે તેવી શક્યતા છે. મારિજને ઓગસ્ટ 2021માં મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે રાજીનામું આપ્યું હતું.