નેપાળને હરાવી ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે જીત્યો ટી-20 વર્લ્ડ કપ
ભારતીય મહિલા ક્રિકેટ માટે આ સમયગાળો સુવર્ણ અક્ષરે લખાશે. હજુ માંડ 19 દિવસ પહેલા જ ભારતીય સિનિયર મહિલા ટીમે ઓડીઆઇ વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યાં હવે ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે પણ ઈતિહાસ રચી દીધો છે. રવિવારે કોલંબોના મેદાનમાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે નેપાળને 7 વિકેટે હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
નેપાળની ટીમે આપેલા 114 રનના લક્ષ્યાંકને ભારતે માત્ર 12 ઓવરમાં જ પાર પાડીને એકતરફી વિજય મેળવ્યો હતો. કોલંબો ખાતે રમાયેલી આ ટાઈટલ મેચમાં ભારતીય ટીમ શરૂૂઆતથી જ હાવી રહી હતી. ભારતીય બોલરોએ નેપાળની બેટિંગ લાઇન-અપને તોડી પાડી હતી અને તેમને નિર્ધારિત ઓવરોમાં માત્ર 114 રન સુધી સીમિત રાખ્યા હતા. ભારતીય બોલિંગનો દબદબો એ વાત પરથી જાણી શકાય છે કે નેપાળની ટીમ પોતાની આખી ઇનિંગ દરમિયાન માત્ર એક જ બાઉન્ડ્રી ફટકારી શકી હતી. જવાબમાં, ભારત તરફથી ફુલા સરને આક્રમક બેટિંગ કરતા 44 રન ફટકાર્યા હતા અને ટીમને 12 ઓવરમાં જ ચેમ્પિયન બનાવી દીધી હતી.
સામાન્ય ક્રિકેટ કરતા બ્લાઇન્ડ ક્રિકેટ તદ્દન અલગ અને પડકારજનક હોય છે. આ મેચ સફેદ પ્લાસ્ટિકના બોલથી રમાય છે, જેની અંદર ધાતુના નાના બેરિંગ્સ (છરા) હોય છે. જ્યારે બોલ ગતિ કરે છે ત્યારે તેમાંથી ખડખડ અવાજ આવે છે, જેના આધારે બેટ્સમેન બોલની દિશા નક્કી કરીને શોટ મારે છે.
બોલિંગ કરતા પહેલા બોલર માટે બેટ્સમેનને પૂછવું ફરજિયાત છે કે શું તે તૈયાર છે? અને બોલ ફેંકતી વખતે બોલરે જોરથી Play (રમો) બૂમ પાડવી પડે છે, જેથી બેટ્સમેન સતર્ક થઈ શકે.