ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરી
એશિયા કપ 2025માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ટીમે મેચ સમાપ્ત થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને રમત ભાવનાનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવતા PCBએ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે.
દુબઈમાં રમાયેલી આ મેચમાં, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 7 વિકેટથી કારમી હાર આપી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરમાં સિક્સર મારીને ભારતને જીત અપાવી. મેચ પૂરી થયા બાદ, સામાન્ય રીતે ક્રિકેટની પરંપરા મુજબ બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવે છે, પરંતુ આ વખતે ભારતીય ટીમના ખેલાડીઓ, જેમાં સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેનો પણ સમાવેશ થાય છે, તેઓ સીધા ડ્રેસિંગ રૂૂમમાં જતા રહ્યા. અન્ય ભારતીય ખેલાડીઓ પણ હાથ મિલાવવા બહાર આવ્યા નહોતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેના પર ભારે ચર્ચા થઈ રહી છે.
આ ઘટનાને પગલે, PCBએ તાત્કાલિક ધોરણે ACC સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે.ભારતીય ખેલાડીઓનું આ વર્તન રમત ભાવનાની વિરુદ્ધ છે. PCB ના ટીમ મેનેજર નવીન ચીમા દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેને રમત ભાવના વિરુદ્ધ ગણાવ્યું છે. PCB એ આ ઘટનાના વિરોધમાં પોતાના કેપ્ટનને પણ મેચ પછીના સમારોહમાં ન મોકલવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમના મેનેજરે તો રેફરી સામે ફરિયાદ પણ કરી છે. હવે એ સવાલ આવે છે કે, શું ભારતીય ટીમને કોઈ દંડ લાગશે.
તો આનો જવાબ છે નહી. આઈસીસી કે એસીસીના કોઈ પણ રુલ બુકમાં લખ્યું નથી કે, જો કોઈ ટીમના ખેલાડીઓ અન્ય ટીમના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવે છે તો દંડ લાગશે. હાથ મિલાવવાનો કોઈ નિયમ નથી પરંતુ આ માત્ર રમતની ભાવનાના રુપમાં જોઈ શકાય છે. આ કારણ છે કે, મેચ બાદ બંન્ને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવે છે. જો કોઈ હાથ મિલાવતું નથી તો આનાથી કોઈ દંડ લાગી શકે નહી. માત્ર રમતની ભાવના વિરુદ્ધ કહી શકાય છે.