ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ! 52 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે આજે ઇતિહાસ રચ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું છે. હોકી ટીમે 52 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે 1972માં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે ભારતની એટેકિંગ લાઇન અને ડિફેન્સ લાઇન બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના ગોલકીપર પીઆર શ્રીજેશે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારત તરફથી અભિષેકે પહેલો ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા હતા. આ બંને ગોલ તેણે પેનલ્ટીમાંથી ગોલમાં કન્વર્ટ કર્યા હતા. ભારતનું ડિફેન્સ પણ જોરદાર રહ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં ગોલ કરીને મેચ 3-1થી પોતાના નામે કરી લીધી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ છેલ્લા ક્વાર્ટરમાં વધુ એક ગોલ કર્યો હતો. આ રીતે ભારતે 3-2થી મેચ જીતી લીધી હતી.
આ ઓલિમ્પિક્સમાં સુકાની હરમનપ્રીત સિંહે ભારતીય ટીમ માટે સંરક્ષણની ફરજ નિભાવવાની સાથે પેનલ્ટી કોર્નર અને પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કરીને ટીમને સતત જીત સુધી પહોંચાડી હતી. આખરે, 1972 પછી પ્રથમ વખત, ટીમ ઇન્ડિયાએ ઑલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયા સામેની ઘણી હારનો બદલો લીધો.
ટીમ ઈન્ડિયાએ 52 વર્ષનો આ દુષ્કાળ ખતમ કર્યો. આ પહેલા ભારતે પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ત્યારબાદ આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી. પરંતુ ભારતને બેલ્જિયમના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.