ભારતની મુક્કાબાજ પ્રીતિ પવારે ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી
ઉત્તર પ્રદેશમાં અહીં વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સ નામની ચેમ્પિયનશિપમાં મંગળવારે મોડી રાત્રે ભારતની બાવીસ વર્ષીય મુક્કાબાજ પ્રીતિ પવારે 54 કિલો વર્ગની સેમિ ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન અને ત્રણ વખત વિશ્વવિજેતા બની ચૂકેલી હુઆન્ગ સિઆઓ-વેનને 4-0થી પરાજિત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
ટેલન્ટેડ મુક્કાબાજ પ્રીતિ પવાર હરિયાણાના ભિવાની શહેરની છે. સેમિ ફાઇનલમાં તેનો મુકાબલો ઑલિમ્પિક્સનો મેડલ પણ જીતી ચૂકેલી અને ત્રણ-ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર તાઇપેઇની હુઆન્ગ સામે થવાનો છે એની જાણ થતાં જ પ્રીતિએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હુઆન્ગને ગમે એમ કરીને હરાવી જ દેવી.
ખુદ પ્રીતિએ મંગળવારના મુકાબલા પછી કહ્યું હતું કે ન હું જાણતી હતી કે હુઆન્ગ વર્લ્ડ ચેમ્પિયન છે. મેં એવું પણ વિચાર્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયન બનવું હોય તો વર્લ્ડ ચેમ્પિયનને હરાવવી જ પડે. આવું વિચારીને જ હુઆન્ગ સામે લડવા હું રિંગમાં ઊતરી હતી. મેં 100 ટકા તાકાત કામે લગાડીને હોમ-ક્રાઉડ સામે જીતવાનો પણ નિશ્ચય કર્યો હતો અને એમાં હું સફળ થઈ.
2022ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલી પ્રીતિ ઑલિમ્પિક્સમાં પણ ભાગ લઈ ચૂકી છે. 2023માં તે એશિયન મેડલ જીતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપ્યા હતા.