ભારતીય બેટરોનું સ્પિનર્સ સામે સરન્ડર, ટીમ ઇન્ડિયાની નબળાઇ
ભારતીય ટીમ કોઈ વનડે મેચમાં 356 રન બનાવે અને લોકો તેની નબળાઈની વાત કરે, એવું ખૂબ ઓછું જોવા મળે છે. અમદાવાદ વનડેમાં આવું જ કંઈક જોવા મળ્યું છે. તેનું મોટું કારણ છે, ભારતીય બેટરોનું સ્પિનર્સ સામે સરેન્ડર, તેમાંથી ચાર વિકેટ એકલા આદિલ રાશિદે ઝડપી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સ્પિનરોની આ પ્રકારની સફળતા ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા વધારી શકે છે. કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તમામ મેચ દુબઈમાં રમાશે. જ્યાં સ્પિનર્સને મોટી મદદ મળે છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારતે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 356 રન બનાવ્યાં. શુભમન ગિલે (112) સદી ફટકારી. વિરાટ કોહલીએ (52) અને શ્રેયસ ઐયરે (78) અડધી સદી ફટકારી. આ ત્રણેયના આઉટમાં એક સમાનતા રહી. ગિલ, કોહલી અને અય્યર ત્રણેયને આદિલ રાશિદે પેવેલિયન મોકલ્યા. હાર્દિક પંડ્યા પણ રાશિદનો શિકાર થયો.
આદિલ રાશિદે વિરાટ કોહલીને લેગ સ્પિનમાં ફસાવ્યો. તેનો આ બોલ લેગ સ્ટમ્પ પર પિચ થયો અને ઝડપથી ટર્ન થઈને ઓફ સ્ટમ્પની બહાર નીકળ્યો. કોહલી આ બોલને છોડવાની સ્થિતિમાં નહોતો. તેણે કોઈપણ કાળે આ બોલ રમવાનો હતો. તેણે તેને ડિફેન્સ કર્યો અને બોલ બેટને સ્પર્શતા વિકેટકીપર સોલ્ટના હાથે કેચ થયો.
આદિલ રાશિદે જ્યારે વિરાટ કોહલીને આઉટ કર્યો, તો કિંગ કોહલીના ટીકાકારો તરત સક્રિય થઈ ગયા. સોશિયલ મીડિયા પર કોહલીના આંકડા શેર કરવા લાગ્યા કે તે લેગ સ્પિન સામે કેટલો નબળો છે. બીજી બાજુ કિંગ કોહલીને આઉટ કર્યા બાદ આદિલ રાશિદ બેટ્સમેનોની નબળાઈને પારખી ગયો. તેણે પોતાની 10 ઓવરના સ્પેલમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાને પણ ચાલતા કર્યા, ગિલ ગુગલીમાં થાપ ખાઈ ગયો, તો અય્યર લેગ સ્ટમ્પની બહારના બોલ સાથે છેડછાડ કરી બેઠો, ત્યાર બાદ પંડ્યા ક્લિન બોલ્ડ થયો.
કમાલ જુઓ જે કામ શેન વોર્ન ન કરી શક્યો, તે આદિલ રાશિદે કરી બતાવ્યું. વોર્ન ભારત સામે વનડે મેચમાં ક્યારેય પણ 4 વિકેટ લઈ શક્યો નહોતો. તેનું ભારત સામે 38 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાશિદે 10 ઓવરના પોતાના સ્પેલમાં 64 રન આપીને 4 વિકેટ લીધી છે.