વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ સાથે ટેસ્ટ સીરિઝ જીતતું ભારત, રેકોર્ડસની હારમાળા
2025માં આંતરરાષ્ટ્રિય મેચના તમામ ફોર્મેટમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમ ઈન્ડિયા
ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ 2-0 થી જીતી લીધી. દિલ્હી ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા 2025માં આંતરરાષ્ટ્રીય મેચમાં (કોઈપણ ફોર્મેટમાં) સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની ગઈ. આ ટીમની 23મી જીત છે. દરમિયાન, શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ વર્ષે ચોથી ટેસ્ટ મેચ જીતી છે. ગિલે આ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સની બરાબરી કરી છે. આ સાથે ટોપ-7 રેકોર્ડસ પણ નોંધાયા છે.
શુભમન ગિલ પેટ કમિન્સની બરાબરી કરી શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ભારતે આ વર્ષે ચોથી ટેસ્ટ મેચ જીતી. ગિલે હવે 2025માં સૌથી વધુ ટેસ્ટ જીત મેળવનારા કેપ્ટનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સની બરાબરી કરી છે. કમિન્સે આ વર્ષે પાંચ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાં ચારમાં જીત મેળવી હતી. ગિલે 2025માં સાત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાં તેણે ચોથી જીત મેળવી હતી. ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતે બે ટેસ્ટ હારી હતી અને એક ડ્રો કરી હતી.
સિરાજ 2025નો હાઇએસ્ટ વિકેટ ચેકર બોલર બન્યો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ 2025માં ટેસ્ટ ક્રિકેટમાં હાઇએસ્ટ વિકેટ ટેકર બન્યો છે. સિરાજે વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટમાં 3 વિકેટ લીધી હતી. હવે 2025માં 8 ટેસ્ટમાં તેની પાસે 37 વિકેટ છે. તેણે ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીને પાછળ છોડી દીધો છે, જેણે આ વર્ષે નવ ટેસ્ટમાં 36 વિકેટ લીધી છે.
શુભમન ગિલ બેટિંગમાં પહેલાથી જ ટોપ પર 2025 માટે ટોચના ટેસ્ટ બેટર્સની યાદીમાં ભારતના શુભમન ગિલ પહેલાથી જ નંબર-1 પર છે. ગિલે આ વર્ષે આઠ ટેસ્ટમાં 966 રન બનાવ્યા છે. બીજા સ્થાને રહેલા કેએલ રાહુલે આઠ ટેસ્ટમાં 687 રન બનાવ્યા છે. રવીન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલ પણ ત્રીજા અને ચોથા સ્થાને ભારતીય ખેલાડીઓ છે.
2025માં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટમાં મળેલી જીત ટીમ ઈન્ડિયાની 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23મી જીત છે. આ સાથે, ભારતે ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દીધું છે, જેણે આ વર્ષે 22 મેચ જીતી છે. ભારતે આ વર્ષે 4 ટેસ્ટ મેચ, 8 વન-ડે અને 11 ઝ20 મેચ જીતી છે. ટી20માં, ભારતે 10 મેચ સીધી જીતી હતી, જ્યારે એક મેચ સુપર ઓવરમાં જીતી હતી.
ઘરઆંગણે દરેક પ્રતિસ્પર્ધી સામે સૌથી વધુ જીત ભારતે ટેસ્ટ ક્રિકેટમાં 15મી વખત ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું. ભારત હવે ઘરઆંગણે દરેક પ્રતિસ્પર્ધી સામે સૌથી વધુ જીત અને સૌથી ઓછી હારનો રેકોર્ડ ધરાવે છે. અગાઉ, આ રેકોર્ડ ફક્ત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પાસે હતો.
કેમ્પબેલ-હોપે 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જોન કેમ્પબેલ અને શાઈ હોપે ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝ માટે ત્રીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાવી છે. કેમ્પબેલ અને હોપે દિલ્હીમાં 177 રન ઉમેર્યા, જેનાથી ડેરેન બ્રાવો અને કિર્ક એડવર્ડ્સનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ જોડીએ 2011માં વાનખેડે સ્ટેડિયમ ખાતે 164 રનની ભાગીદારી નોંધાવી હતી. 58 ઇનિંગ્સ પછી હોપની સદી વેસ્ટ ઇન્ડીઝના બેટર શાઈ હોપે બે ટેસ્ટ સદીઓ વચ્ચે સૌથી લાંબી રાહ જોવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.
હોપે 2017 થી 2025 વચ્ચેની તેની બે સદીઓ વચ્ચે 58 ઇનિંગ્સ રમી હતી, જે વેસ્ટ ઇન્ડીઝના કોઈપણ ખેલાડી માટે સૌથી લાંબું અંતર છે. તેણે 2015-2020 વચ્ચે જર્મેઈન બ્લેકવુડના 47 ઇનિંગ્સના રેકોર્ડને તોડી નાખ્યો.
જોન કેમ્પબેલે છગ્ગો ફટકારીને પોતાની પહેલી ટેસ્ટ સદી પૂરી કરી જોન કેમ્પબેલે સિક્સર ફટકારીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી, અને આ સિદ્ધિ મેળવનાર વેસ્ટ ઇન્ડીઝનો પાંચમો બેટર બન્યો. તેની પહેલા 1980માં કોલિન્સ કિંગ, 1996માં રોબર્ટ સેમ્યુઅલ્સ, 2001માં રિડલી જેકબ્સ અને 2017માં શેન ડોરિચે આ સિદ્ધિ મેળવી હતી.
કેમ્પબેલ સૌથી વધુ ઇનિંગ્સ રમ્યા પછી પહેલી ટેસ્ટ સદી ફટકારનાર બીજો ખેલાડી જોન કેમ્પબેલે પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારવા માટે 48 ઇનિંગ્સનો સમય લીધો હતો. હવે તે પોતાની પહેલી સદી ફટકારવા માટે સૌથી વધુ ઇનિંગ્સ રમનારા બેટર્સની યાદીમાં બીજા ક્રમે છે. તેના પછી સાઉથ આફ્રિકાના ટ્રેવર ગોડાર્ડનો નંબર આવે છે, જેણે પોતાની પહેલી સદી ફટકારવા માટે 58 ઇનિંગ્સનો સમય લીધો હતો.