અંતિમ લીગ મેચમાં ઓમાન સામે ભારતની જીત, કાલે પાકિસ્તાન સામે મુકાબલો
સુપર-4નો જંગ કાલથી, ભારતના 8 વિકેટે 188 રન સામે ઓમાને 4 વિકેટના ભોગે 167 ફટકાર્યા
વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચેમ્પિયન ભારતે શુક્રવારે એશિયા કપની અંતિમ લીગ મેચમાં ટી-20 ફોર્મેટના 20મા નંબરના ઓમાન સામે ભારે સંઘર્ષ કર્યા બાદ જીત મેળવી હતી. સૌથી પહેલાં તો ઓમાને ભારતની આઠ વિકેટ લીધી હતી અને પછી ઓમાનના બે બેટ્સમેન (આમિર કલીમ તથા હમ્માદ મિર્ઝા) વચ્ચેની બીજી વિકેટ માટેની 93 રનની ભાગીદારી ભારતીય ટીમ માટે માથાનો દુખાવો થઈ ગઈ હતી હવે કાલે સુપર 4 મા ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો થશે.
ભારતે આઠ વિકેટના ભોગે 188 રન કર્યા હતા જેના જવાબમાં ઓમાને 20 ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવી હતી અને 167 રન કર્યા હતા. હાર્દિક, અર્શદીપ, કુલદીપ અને હર્ષિતે એક-એક વિકેટ લીધી હતી. ભારત ફક્ત 21 રનથી વિજય મેળવી શક્યું હતું. પાકિસ્તાનમાં જન્મેલા આમિર કલીમ (64 રન, 46 બોલ, બે સિક્સર, સાત ફોર) અને ઓમાનમાં જ જન્મેલા હમ્માદ મિર્ઝા (51 રન, 33 બોલ, બે સિક્સર, પાંચ ફોર)ની જોડીએ ભારતીયોના શ્વાસ અદ્ધર કરી દીધા હતા.
ઓમાનની ટીમ ભારતની આઠ વિકેટ લીધા પછી આ ટોચની ટીમ સામે ફક્ત ચાર વિકેટના ભોગે 150-પ્લસ રન કરી શકી એ બહુ મોટી વાત કહેવાય. એ પહેલાં, ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા પછી બીજી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ગુમાવીને મેચની ખરાબ શરૂૂઆત કરી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમના દરેક પ્લેયરને બેટિંગની તક આપી હતી અને પોતે છેક સુધી બેટિંગમાં નહોતો આવ્યો. તેના આ નવતર પ્રયોગને અંતે ભારતીય ટીમ 188 રનનો પડકારરૂૂપ સ્કોર નોંધાવી શકી હતી, પરંતુ ત્યાર પછી ઓમાને બોલિંગ પછી બેટિંગમાં પણ ભારતીયોને જોરદાર ટક્કર આપી હતી.
ભારતે ઓમાનની અસરદાર બોલિંગ સામે જે આઠ વિકેટ ગુમાવી હતી જેમાં ગિલ, તિલક વર્મા અને શિવમ દુબેએ વિકેટ ફેંકી દીધી હતી, જ્યારે હાર્દિક રનઆઉટ થયો હતો. જોકે 200-પ્લસના ટોટલની આશા ફળીભૂત નહોતી થઈ શકી. 188 રનમાં એકમાત્ર સેમસન (56 રન, 45 બોલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. અભિષેકે 38 રન, છેક સાતમા સ્થાને મોકલવામાં આવેલા તિલક વર્માએ 29 રન, અક્ષરે 26 રન તેમ જ હર્ષિત રાણાએ એક છગ્ગાની મદદથી અણનમ 13 રન કર્યા હતા. ગિલ, હાર્દિક અને શિવમ દુબે સદંતર નિષ્ફળ ગયા હતા.
ઓમાનના ત્રણ બોલર (કલીમ, જિતેન, ફૈઝલ)એ બે-બે વિકેટ લીધી હતી. અભિષેક-સેમસન વચ્ચે 66 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આઠમી ઓવરમાં ભારતે ત્રણ બોલમાં ટી-20ના વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અભિષેક અને નંબર-વન ઑલરાઉન્ડર હાર્દિકની વિકેટ ગુમાવી હતી.
18 બોલમાં 0 રન, સંજૂ સેમનનો ધીમી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ
ભારતના વિકેટકીપર સંજુ સેમસન એશિયા કપમાં ઓમાન સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં તે ટીકાનો શિકાર બન્યો હતો. સંજુ સેમસન ઓમાન સામે 56 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તેણે ધીમી ઈનિંગ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હકીકતમા સંજુ સેમસનએ અડધી સદી ફટકારવા માટે 41 બોલ રમ્યા હતા, જે તેના T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સૌથી ધીમો ફિફ્ટી છે સંજુએ 45 બોલમાં કુલ 56 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ ફક્ત 124.44 હતો. સંજુ સેમસને તેની અડધી સદીમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા, પરંતુ તેણે ઘણા ડોટ બોલ પણ રમ્યા. તેણે છગ્ગા અને ચોગ્ગા સાથે 30 રન બનાવ્યા, પરંતુ તેણે 18 ડોટ બોલ રમ્યા, જે T20 ક્રિકેટમાં વધુ છે. સંજુ સેમસન ધીમી અબુ ધાબી પિચ પર અટવાઈ ગયો હતો અને તેને બોલ ફેરવવામાં મુશ્કેલી પડી રહી હતી એ પણ નોંધનીય છે કે સંજુ T20 એશિયા કપમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર પણ બન્યો.