ઇંગ્લેન્ડને હરાવીને ભારતનો સિરીઝ પર કબજો
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી મેચમાં ઈંગ્લેનને 15 રનથી હરાવ્યું છે. આ મેચ ખૂબ જ રોમાંચક બની હતી અને છેલ્લી ઓવર સુધી ચાલી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 166 રન બનાવી શકી હતી. બોલરોના જોર પર ભારતે આ મેચ જીતી હતી. પુણેમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે.
પુણેમાં રમાયેલી મેચમાં હર્ષિત રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈને પણ 3 વિકેટ મળી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 8 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 1 વિકેટ મળી હતી. અક્ષર પટેલને પણ સફળતા મળી.
ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 19.4 ઓવરમાં 166 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં સાકિબ મહમૂદની વિકેટ પડી હતી. આ પહેલા જેમી ઓવરટોન 19મી ઓવરમાં આઉટ થયો હતો. તે 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોફ્રા આર્ચર ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે શૂન્ય પર આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડની શરૂૂઆત સારી રહી હતી. ઓપનર ફિલિપ સોલ્ટ અને બેન ડકેટ વચ્ચે અડધી સદીની પાર્ટનરશીપ થઈ હતી. સોલ્ટ 23 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ડકેટે 39 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી કેપ્ટન જોસ બટલર 2 રન બનાવીને આઉટ થયો હતો. હેરી બ્રુકે અડધી સદી ફટકારી હતી. તેમણે 26 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. લિવિંગ્સ્ટન અને બેથેલ કંઈ ખાસ કરી શક્યા ન હતા. કાર્સ પણ શૂન્ય પર જ આઉટ થયો હતો.
ભારતની શરૂૂઆત ખરાબ રહી હતી. ઓપનર સંજુ સેમસન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું. આ બન્ને ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. પંડ્યાએ 30 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દુબેએ 34 બોલમાં 53 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 29 રનની ઇનિંગ રમી હતી. રિંકુ સિંહે 30 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા શૂન્ય રને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરી રહેલા સાકિબ મહમૂદે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. તેણે 3 વિકેટ ઝડપી હતી. જેમી ઓવરટનને 2 વિકેટ મળી હતી. જ્યારે કાર્સ અને આદિલ રાશિદને 1-1 વિકેટ મળી હતી.