ભારત-દ.આફ્રિકા વન ડે સિરીઝનો કાલથી પ્રારંભ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કાલથી ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ઝારખંડના રાંચીમાં રમાશે. આ મેચની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી ઈતિહાસ રચી દેશે. આ મેચની સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલી એક સાથે સૌથી વધુ મેચ રમનાર ભારતીય ખેલાડી બની જશે. આ સાથે રોહિત-કોહલીની જોડી સચિન અને દ્રવિડનો રેકોર્ડ તોડી દેશે, જેણે એક સાથે 391 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યારે કોહલી-રોહિતે પણ એક સાથે 391 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
સચિન તેંડુલકર સિવાય રાહુલ દ્રવિડે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે 369 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ જોડી લિસ્ટમાં બીજા સ્થાને છે. તો સચિન તેંડુલકર અને અનિલ કુંબલે 367 આંતરરાષ્ટ્રીય મેચમાં સાથે જોવા મળ્યા છે. આ જોડી લિસ્ટમાં ચોથા નંબર પર છે, જ્યારે વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાની જોડી 309 મુકાબલા સાથે પાંચમાં સ્થાને છે.
ભારતીય ટીમે આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં 2-0થી હારનો સામનો કર્યો હતો. તેવામાં ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે વનડે સિરીઝ જીતીને હિસાબ બરાબર કરવા ઈચ્છશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 30 નવેમ્બરે રાંચીના જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે, ત્યારબાદ 3 ડિસેમ્બરે બીજી વનડે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાશે. છેલ્લી અને ત્રીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે.
વન ડેમાં ભારત-દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
ભારત અને આફ્રિકા વચ્ચે વનડે ઈતિહાસમાં વર્ષ 1991થી અત્યાર સુધી કુલ 94 મેચ રમાઈ છે, જેમાં આફ્રિકાનું પલડું ભારે રહ્યું છે. આફ્રિકાએ અત્યાર સુધી 51 મેચ પોતાના નામે કરી છે, જ્યારે ભારતીય ટીમ 30 મુકાબલા જીતવામાં સફળ રહી છે. આ સિવાય બંને વચ્ચે ત્રણ મેચનું પરિણામ આવ્યું નથી.