એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત, પાકિસ્તાન 16મીએ ફરી ટકરાશે
એશિયા કપ 2025 જીતવા છતાં ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના કારણે, ભારતીય ટીમ દુબઈથી ટ્રોફી વિના પરત ફરી. ટ્રોફીને લઈ વિવાદ હજી સમાપ્ત નથી થયો અને ACC એ એક નવી ટુર્નામેન્ટની જાહેરાત કરી છે, જેમાં ભારત અને પાકિસ્તાની ટીમો ફરી એકવાર એકબીજા સામે રમશે.
ACC એ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. 16 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ થવાની ધારણા છે. અગાઉ ઈમર્જિંગ એશિયા કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટ હવે 14 થી 23 નવેમ્બર દરમિયાન કતારના દોહામાં વેસ્ટ એન્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે: ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, UAE અને હોંગકોંગ. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
પાંચ ટેસ્ટ રમી રહેલા એશિયન રાષ્ટ્રો તેમની પઅથ ટીમો મેદાનમાં ઉતારશે, જ્યારે UAE , ઓમાન અને હોંગકોંગ તેમની સિનિયર ટીમો સાથે ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. કુલ 15 ટી-20 મેચ રમાશે. ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAE ને એક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમોનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટ ફોર્મેટમાં સુપર ફોર સ્ટેજનો સમાવેશ થતો નથી. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. 2024 ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.
