આવતીકાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી મુકાબલો
આ મેચમાં પણ સૂર્યકુમાર યાદવ પાકિસ્તાનના સુકાની સાથે હાથ મિલાવશે કે નહીં તેના પર મીટ
આ મેચમાં રેફરી તરીકે એન્ડી પાયક્રોફટને બદલે રીચી રીચાર્ડસન રહે તેવી સંભાવના
ભારતે ઓમાન સાથે મેચ માંડ-માંડ જીતી છે પરંતુ ક્રિકેટ રસીકોની મીટ રવિવારે રમાનારા ભારત- પાકિસ્તાન વચ્ચેના જંગ ઉપર છે. આ મેચ સુપર-4નો હોય તેનું મહત્વ બન્ને ટીમ માટે વિશેષ રહે છે.
સ્વાભાવિક રીતે જ આ મેચમાં ભારતનું પલડુ ભારે છે. કારણ કે ભારતના મુકાબલા કરતા પાકિસ્તાનની ટીમ નવોદીત ક્રિકેટરોની બની છે. ત્રણ-ચાર અનુભવી ક્રિકેટરોને બાદ કરો તો પાકિસ્તાનની ટીમમાં નવોદીત ક્રિકેટરો ઘણા છે. બીજી બાજુ આ મેચને લઇને એક વધુ રોમાંચ એ પણ છે કે શું સુર્યકુમાર યાદવ પાકિસ્તાનના સુકાની સાથે હાથ મીલાવશે કે નહીં. પ્રથમ મેચમાં સુર્યકુમાર યાદવે હાથ ન મિલાવતા ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. મેચ રેફરી એન્ડી પાયક્રોફટ સામે પણ વિરોધ નોંધાવીને એક સમયે એશિયા કપ છોડી દેવાની ધમકી પણ આપી હતી.
જો કે હવે બન્ને ટીમો મેચ ઉપર ફોકસ કરી રહી છે. ઓમાન સામે ભારતે બુમરાહ અને વરૂણ ચક્રવર્તીને આરામ આપ્યો હતો. પરંતુ હવે આ મેચમાં બુમરાહનું ફરી આગમન થશે.
દુબઇ ખાતેના મેચમાં કેચીંગ મહત્વનું બની રહેશે. કારણ કે દુબઇના સ્ટેડીયમનો આકાર એ પ્રકારનો છે કે ગગનચુંબી કેચ લેવામાં ભલભલા ફિલ્ડરોના પરસેવા છુટી જાય છે. કારણ કે સ્ટેડીયમની રચનાને કારણે જજમેન્ટ લેવામાં સમય લાગે છે. ત્યારે ભારતીય ફિલ્ડીંગ કોચ દીલીપે પણ એક વિડીયો જાહેર કરીને કેચીંગ કેવી રીતે લેવા તેની વાત કરી છે.
આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રીના 8 વાગ્યે શરૂ થશે. આ મેચ પુર્વે આજે શનિવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-4નો પ્રથમ મેચ રમાશે.
ભારત- પાકિસ્તાનના મેચમાં રેફરી તરીકે એન્ડી પાયક્રોફટને બદલે રીચી રીચાર્ડસનને પસંદ કરવામાં આવે તેવી શકયતા છે.