મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારે રસાકસી બાદ સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય
આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રિચા ઘોષના 94 રનની મદદથી ભારતે લડાયક સ્કોર ખડકયો હોવા છતાં ગુરુવારે અહીં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતના હાથમાં આવેલી બાજી આંચકી લીધી હતી અને ત્રણ વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.
અહીં રમાયેલી મેચમાં છેક સુધી બાજી ભારતના હાથમાં હતી પરંતુ છેલ્લી ઘડીએ નદિન ડી ક્લાર્કે બાજી પલટી નાખી હતી. તેના અગાઉ સાઉથ આફ્રિકન ટીમની કેપ્ટન લૌરા વોલવાર્ડે શાનદાર 70 રન ફટકારીને ટીમની લડતની શરૂૂઆત કરી હતી અને ક્લાર્કે ટીમને ટારગેટ સુધી પહોંચાડી દીધી હતી. ડી ક્લાર્ક 54 બોલમાં પાંચ સિક્સર સાથે 84 રન ફટકારીને અણનમ રહી હતી.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 49.5 ઓવરમાં 251 રનનો સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 48.5 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો. 252 રનના કપરા કહી શકાય તેવા ટારગેટ સામે રમતાં સાઉથ આફ્રિકાનો પણ પ્રારંભિક ધબડકો થયો હતો. 81 રનના સ્કોર સુધીમાં તેણે પાંચ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી પરંતુ ઓપનર અને કેપ્ટન લૌરા વોલવાર્ડે જોરદાર પ્રતિકાર કર્યો હતો. આ માટે તેને ચોલે ટ્રાયોનનો સહકાર સાંપડ્યો હતો. બંનેએ મળીને છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 61 રન ઉમેર્યા હતા તો ટ્રાયોન અને નદિન ડી ક્લાર્કે સાતમી વિકેટ માટે વધુ 69 રન ઉમેર્યા હતા. આમ થતાં ભારતીય બોલિંગ દબાણ હેઠળ આવી ગઈ હતી.
વોલવાર્ડે 111 બોલની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા સાથે 70 રન ફટકાર્યા હતા જ્યારે ટ્રાયોને 66 બોલમાં 49 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
જોકે આ બંનેની વિકેટ બાદ ભારતે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ નદિન ડી ક્લાર્કે લડત જારી રાખી હતી. તેણે મેચ અત્યંત રોમાંચક બનાવી દીધી હતી. અગાઉ ભારતે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ તેણે 153 રનમાં સાત વિકેટ ગુમાવી દેતાં એમ લાગતું હતું કે હરમનપ્રિત કૌરની ટીમ 200 સુધી પણ પહોંચી શકશે નહીં. આ તબક્કે રિચા ઘોષ સાથે સ્નેહ રાણા જોડાઈ હતી અને એક શાનદાર ભાગીદારીનો પ્રારંભ થયો હતો.
રિચા અને રાણાએ મળીને ટીમનો સ્કોર માત્ર 200 જ નહીં પરંતુ 250ને પાર કરાવ્યો હતો. રિચાએ આક્રમક બેટિંગ કરવાની સાથે સાથે વિકેટ બચાવવાની કામગીરી પણ અદા કરી હતી. તેણે સ્નેહ રાણા સાથે મળીને આઠમી વિકેટ માટે 88 રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં સ્નેહ રાણાનું યોગદાન 24 બોલમાં 33 રનનું રહ્યું હતું. નવમા ક્રમની બેટરે છ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 77 બોલમાં ચાર સિક્સર અને 11 ચોગ્ગા સાથે 94 રન ફટકાર્યા હતા. તેની કારકિર્દીની આ સાતમી અડધી સદી હતી અને તે બીજી વાર નર્વસ નાઇન્ટીમાં આઉટ થઈ હતી.