ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી, ગુરૂવારે ચોથી મેચ
કુલદીપ યાદવ બાકીની બે મેચ માટે ટીમમાંથી મુકત
ભારતીય ટીમે રવિવારે હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચ 5 વિકેટથી જીતી લીધી. 187 રનનો ટાર્ગેટ ટીમે 18.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની T20 શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. શ્રેણીની ચોથી મેચ 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં રમાવાની છે અને અંતિમ મેચ 8 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે.
ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવને બાકીની બે મેચ માટે T20 ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ આ જાહેરાત કરી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે કુલદીપને મુક્ત કરવા BCCI ને વિનંતી કરી હતી.
કુલદીપ યાદવને રેડ-બોલ ક્રિકેટની તૈયારી માટે સમય આપવા માટે ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. કુલદીપ હવે દક્ષિણ આફ્રિકા અ સામેની બીજી ફર્સ્ટ-ક્લાસ મેચમાં ભારત અ માટે રમશે. આ મેચ 6 નવેમ્બરથી બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE ) ખાતે રમાનારી છે. આ મેચ કુલદીપને 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે તૈયારી કરવામાં મદદ કરશે. કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં બે મેચ રમી હતી. કુલદીપ કેનબેરામાં T20 માં બોલિંગ કરી શક્યો ન હતો, કારણ કે વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી.
ત્યારબાદ, મેલબોર્નમાં T20 મા કુલદીપે 45 રન આપીને બે વિકેટ લીધી હતી. હોબાર્ટ T20 માં તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. કુલદીપ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ઘઉઈં શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતો, જ્યાં તેને સિડનીમાં રમાયેલી મેચમાં રમવાની તક આપવામાં આવી હતી.
