ICC વન ડે નોકઆઉટમાં 6 વખત ભારત-ઓસીઝ ટક્કર
બન્ને ટીમ 3-3 વખત જીતી છે, સાતમી વખત કોણ કોની ઉપર ભારે પડશે?
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મંગળવારે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પ્રથમ સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 6 વખત આમનેસામને ટકરાઇ છે. આ રીતે, ભારત અને ઓસ્ટ્રેલિયા ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચમાં 7મી વખત ટકરાશે. પરંતુ શું તમે જાણો છો કે ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં કોનો હાથ ઉપર રહ્યો છે ?
ભારતે ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને 3 વખત હરાવ્યું છે. બંને ટીમો પહેલીવાર 1998માં ચેમ્પિયન્સ ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલમાં આમને-સામને ટકરાઇ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રનથી હરાવ્યું હતું. 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. આ પછી, 2011 ના ODI વર્લ્ડકપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. ઉપરાંત, ઓસ્ટ્રેલિયાએ ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારતને 3 વખત હરાવ્યું છે. 2003ના વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું. આ પછી, ઓસ્ટ્રેલિયાએ 2015 ના ODI વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમને હરાવી હતી. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાએ 2023 ના ODI વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.
જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયાને બે વાર હરાવ્યું છે. વળી, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવવામાં નિષ્ફળ રહ્યું છે. પરંતુ ODI ફોર્મેટમાં એકંદર રેકોર્ડ તેનાથી વિપરીત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 84 મેચ જીતી છે, જ્યારે ભારતે 57 મેચ જીતી છે.