યજમાન દુબઇ ક્રિકેટ સંઘ દ્વારા ટ્રોફી વિતરણની વ્યવસ્થા અગાઉથી થઇ હોત તો આવો ફજેતો ન થાત
ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળચાટતું કરીને નવમી વખત એશિયા કપ પર કબજો કરીને ભારતીય ક્રિકેટ ચાહકોની દિવાળી સુધારી દીધી પણ સતત વિવાદોમાં રહેલી આ ટુર્નામેન્ટ ફાઈનલ પછી નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. ભારતે પાકિસ્તાનને રગદોળ્યું પછી ઈનામ વિતરણ સમારોહમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડા મોહસીન નકવીના હાથે ચેમ્પિયનની ટ્રોફી અને તમામ ક્રિકેટરો તથા સ્ટાફને વ્યક્તિગત મેડલ પણ અપાવાના હતી.
નકવી એશિયા ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ચેરમેન પણ હોવાથી આ ગોઠવણ કરાયેલી પણ ભારતીય ટીમે પીસીબીના ચેરમેન મોહસીન નકવી પાસેથી ટ્રોફી કે મેડલ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેના કારણે મેચ પત્યા પછી જોરદાર ડ્રામા થયો. એશિયા ક્રિકેટ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર્સે ભારતીય ટીમ મેનેજમેન્ટને સમજાવવા બહુ મથામણ કરી પણ ભારતીય ટીમ ટસની મસ ના થઈ. તેના કારણે ઈનામ વિતરણ સમારોહ એક કલાક મોડો શરૂૂ થયો.
એવોર્ડ સેરેમનીના ભાગરૂૂપે ટ્રોફી મેદાન પર મૂકી દેવાયેલી પણ ટીમ ઈન્ડિયા નકવીના હાથે લેવા તૈયાર નહોતી. નકવી પણ એસીસીના બીજા કોઈ હોદ્દેદારને બદલે પોતાના હાથે જ ટ્રોફી અપાવી જોઈએ એ વાત પર અડી જતાં ભારત ચેમ્પિયન બન્યું હોવા છતાં ટ્રોફી ના અપાઈ. ભારતીય ખેલાડીઓ અમીરાત ક્રિકેટ બોર્ડના વાઇસ ચેરમેન ખાલિદ અલ ઝરૂૂની પાસેથી ટ્રોફી સ્વીકારવા માટે તૈયાર હતા પણ નકવીએ પોતાના સિવાય કોઈના હાથે ટ્રોફી નહીં અપાય એવું પૂંછડું પકડી રાખ્યું. ટીમ ઈન્ડિયાના વિરોધથી નકવી એ હદે ગિન્નાયેલા કે તેમણે એશિયા કપ ટ્રોફીને મેદાન પરથી હટાવી દીધી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે નકવીની આ બાલિશ હરકતનો જવાબ પોતે ટ્રોફી લઈ જઈ રહ્યો હોય એવો ઈશારો ભારતીય ક્રિકેટરો તરફ કરીને આપ્યો તેથી નકવી વધારે ભડક્યા અને એશિયા કપની ટ્રોફી પોતાના બાપનો માલ હોય એમ પોતાના રૂૂમમાં મુકાવી દીધી. ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે, ચેમ્પિયન ટીમે ટ્રોફી વિના પાછા ફરવું પડયું. આઈસીસીની બેઠકમાં શું થશે એ વિશે અત્યારથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે પણ ટીમ ઈન્ડિયાએ લીધેલું વલણ યોગ્ય છે તેમાં બેમત નથી.
આ દલીલ ખોટી નથી કેમ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી દેબજીત સાઈકિયાએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં એવું જ કહ્યું છે કે, ભારત અત્યારે પાકિસ્તાન સામે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈ અધિકારી પાસેથી ભારત ટ્રોફી ના સ્વીકારી શકે. ભારતે પાકિસ્તાનીઓની હરકતો સામે પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ નહીં મિલાવીને નારાજગી વ્યક્ત કરી હતી.
નકવીમાં ખેલદિલી હોત તો સમજીને પોતે જ એવોર્ડ સેરેમનીથી ખસી ગયા હોત પણ તેના બદલે નકવી ટ્રોફી પર કબજો કરવાની સાવ બાલિશ હરકત કરીને દુનિયાની નજરમાં હાસ્યાસ્પદ બની ગયા છે. આદર્શ એ હોત કે ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા પોતાના ઇરાદાની આગોતરા જાણ યજમાન દુબઇ ક્રિકેટ સંઘને કરી હોત તો યજમાન સંચાલક બોર્ડના પદાધિકારી દ્વારા ટ્રોફી વિતરણ થઇ હોત.