એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત નહીં આવે તો BCCI-ICC સમક્ષ મુદો ઉઠાવશે
એશિયા કપની ટ્રોફીને લઈને હજુ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ અંગે મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) ને આશા છે કે, ટ્રોફી બે દિવસમાં મુંબઈ હેડક્વાર્ટર ખાતે પહોંચી જશે. જો વિવાદ યથાવત્ રહેશે તો ભારતીય બોર્ડ ચાર નવેમ્બરના રોજ આઈસીસી સમક્ષ મુદ્દો ઉઠાવશે.
વાસ્તવમાં એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવીને ટ્રોફી જીતી હતી, જોકે આ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ICC ) તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB ) ના અધ્યક્ષ મોહસિન નક્વી પાસેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ ઉપરાંત પહલગામ હુમલાના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધોના કારણે એશિયા કપની મેચો દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને હાથ મિલાવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ભારતીય ટીમે પણ ત્રણ મેચોમાં પાકિસ્તાનના ખેલાડીઓને હાથ મિલાવ્યા ન હતા.
નક્વીએ પહેલા જ કહ્યું હતું કે, ટ્રોફી તો હું જ ભારતને આપીશ. જીતને એક મહિનો વીતી ગયા પછી પણ બીસીસીઆઈને હજી સુધી ટ્રોફીના સત્તાવાર હસ્તાંતરણની રાહ જોવી પડી છે. બીસીસીઆઈના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા એ પીટીઆઈને કહ્યું છે કે હા, અમને થોડી નિરાશા છે કે એક મહિનો વીતી ગયો હોવા છતાં અમને ટ્રોફી અપાઈ નથી. અમે લગભગ 10 દિવસ પહેલા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (અઈઈ ) ના અધ્યક્ષને આ અંગે પત્ર પણ લખ્યો હતો, પરંતુ તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ હજી પણ ટ્રોફી પોતાની પાસે રાખી રહ્યા છે, પરંતુ અમને આશા છે કે આગામી એક-બે દિવસમાં ટ્રોફી BCCI ની મુંબઈ ઓફિસ પહોંચી જશે.
જો ટ્રોફી ટૂંક સમયમાં નહીં સોંપાય તો BCCI આ મામલો ચોથી નવેમ્બરથી દુબઈમાં શરૂૂ થઈ રહેલી ICC ની ત્રિમાસિક બેઠકમાં ઉઠાવશે. સૈકિયાએ કહ્યું છે કે ટ્રોફીના મુદ્દાને કેવી રીતે ઉકેલવામાં આવે, તે ઉકેલવા માટે બીસીસીઆઈ તરફથી અમે સંપૂર્ણ તૈયાર છીએ. હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે, ટ્રોફી ભારત જરૂૂર આવશે, માત્ર સમય નક્કી નથી. એક દિવસ તે જરૂૂર આવશે. આપણે પાકિસ્તાન વિરુદ્ધની તમામ મેચો જીતી છે અને ચેમ્પિયન બન્યા છીએ. બધુ જ રેકોર્ડ પર છે, માત્ર ટ્રોફી ગાયબ છે. મને આશા છે કે, વિવેકપૂર્ણ નિર્ણય લેવાશે.
