ICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યર-2024 જાહેર, ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2024ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમના કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને પસંદ કરવામાં આવ્યો છે. કમિન્સની કેપ્ટનશીપમાં જ ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 3-1થી જીત મેળવી હતી.આ ટીમમાં ઈંગ્લેન્ડના સૌથી વધુ 4 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે.
જ્યારે ભારતના 3 ખેલાડીઓને 11 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ઓપનર યશસ્વી જયસ્વાલનો સમાવેશ છે. ન્યૂઝીલેન્ડના 2, જ્યારે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના એક-એક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. બુમરાહે વર્ષ 2024માં કુલ 13 ટેસ્ટ મેચમાં 14.92ની સરેરાશથી 71 વિકેટ ઝડપી હતી. બુમરાહ 32 વિકેટ્સ સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ માટે પણ વર્ષ 2024 શાનદાર રહ્યું હતું. યશસ્વીએ 15 ટેસ્ટ મેચમાં 54.74ની સરેરાશથી 1478 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીના બેટમાંથી 3 સદી અને 9 અડધી સદી નીકળી છે.
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. જાડેજાએ 12 ટેસ્ટ મેચમાં 42.78ની સરેરાશથી 984 રન બનાવ્યા. જેમાં બે સદી અને ચાર અડધી સદી સામેલ હતી. બોલિંગની વાત કરીએ તો જાડેજાએ ગત વર્ષે ટેસ્ટમાં 24.29ની એવરેજથી 48 વિકેટ ઝડપી હતી.
આઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2024મા યશસ્વી જયસ્વાલ, બેન ડકેટ, કેન વિલિયમસન, જો રૂૂટ, હેરી બ્રુક, કુસલ મેન્ડિસ, જેમી સ્મિથ, રવીન્દ્ર જાડેજા, પેટ કમિન્સ, મેટ હેનરી, જસપ્રીત બુમરાહ.નો સમાવેશ કરાયો છે.