ICCએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ફટકાર્યા પેનલ્ટી પોઈન્ટ, ભારતને ફાયદો
ભારત, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા ફાઈનલ માટે પ્રબળ દાવેદાર
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ત્રણ પેનલ્ટી પોઈન્ટ આપીને સજા કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સ્લો ઓવર રેટના કારણે બંને ટીમોને પેનલ્ટી પોઈન્ટ આપવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ પહેલેથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે, બીજી તરફ, આ પેનલ્ટીએ કિવી ટીમની આશાઓને મોટો ફટકો આપ્યો છે. 3 પોઈન્ટની કપાતને કારણે, ન્યુઝીલેન્ડ હવે ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં ચોથાથી પાંચમા સ્થાને સરકી ગયું છે અને શ્રીલંકા નંબર-4 પર આવી ગયું છે.
ન્યુઝીલેન્ડની પોઈન્ટ ટકાવારી હવે ઘટીને 47.92 થઈ ગઈ છે અને તેની આગામી તમામ મેચો જીતીને તેની ટકાવારી મહત્તમ 55.36 સુધી જઈ શકે છે. હાલમાં, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને ભારત ટેબલમાં કિવી ટીમથી આગળ છે. ટીમ ઈન્ડિયા પ્રથમ (61.11), દક્ષિણ આફ્રિકા બીજા (59.26), ઓસ્ટ્રેલિયા ત્રીજા (57.26) અને શ્રીલંકા (50) ચોથા સ્થાને છે. હવે ન્યૂઝીલેન્ડની ફાઈનલનું સમીકરણ એવું છે કે જો તે ઈંગ્લેન્ડ સામેની બાકીની બંને મેચ જીતી જાય તો પણ તેણે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે અન્ય પર નિર્ભર રહેવું પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે અત્યાર સુધી પાંચ ટીમો સીધી રેસમાં છે. હવે ન્યૂઝીલેન્ડ માટે ફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે, તેથી ટોચ પર રહેલા ભારત પરનો ખતરો લગભગ ઓછો થઈ ગયો છે. શ્રીલંકાની આગામી શિડ્યુલ ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે, તેથી જો ઔપચારિક રીતે જોવામાં આવે તો ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આ ત્રણેય દેશો ફાઈનલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.