હું ફક્ત ODI ક્રિકેટ જ રમીશ: વિરાટ કોહલી
રાંચીમાં ધમાકેદર સદી બાદ સ્પષ્ટતા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વનડે મેચ રવિવાર, 30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી એક મહિના પછી મેદાનમાં પાછો ફર્યો. તેણે પોતાની પહેલી મેચમાં ધમાકેદાર ઇનિંગ રમી, પોતાની 52મી સદી ફટકારી હતી. કોહલીએ માત્ર 120 બોલમાં 135 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગે ટીમ ઇન્ડિયાની 17 રનની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઇનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે, કોહલીની સદીના થોડા કલાકો પહેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI તાજેતરમાં નિવૃત્ત થયેલા અનુભવી ખેલાડીઓને અસ્થાયી રૂૂપે ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવા માટે અપીલ કરી શકે છે. જો કે રાંચી વનડે પછી એવોર્ડ લેવા પહોંચેલા વિરાટ કોહલીને હર્ષા ભોગલેએ સવાલ કર્યો હતો. ભોગલેએ કહ્યું હતું કે, તમે ક્રિકેટનું ફક્ત એક જ ફોર્મેટ રમી રહ્યા છો. શું તે હંમેશા આવું જ રહેશે? જવાબમાં કોહલીએ સ્પષ્ટપણે કહ્યું કે તે ફક્ત ઓડીઆઇ ક્રિકેટ રમશે. કોહલીએ કહ્યું, તે હંમેશા આવું જ રહેશે. હું ફક્ત એક જ ફોર્મેટ રમી રહ્યો છું. સ્પષ્ટપણે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે જ્યારે તેણે નક્કી કર્યું છે કે તે તેને બદલવાનો વિચાર પણ નહીં કરે.