મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા
નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી કરશે ચેતેશ્ર્વર પૂજારા
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટના એક દિગ્ગજ બેટ્સમેનની કરિયર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ચેતેશ્વર પુજારા ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં આઠમાં ક્રમે આવે છે.
આજે નિવૃતિની જાહેરાત કરતાં ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું કે, મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો અને ફેરવેલ મેચ ના મળી તેનું કોઈ દુ:ખ નથી. મારા નિવૃતિના નિર્ણય પહેલા મેં અનેક સાથી ક્રિકેટરો અને પૂર્વ ક્રિકેટરો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
આગામી સમયમાં હું કોમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી જ કરીશ. મેં નિવૃત થવાનો નિર્ણય એક અઠવાડિયા પહેલા જ લીધો હતો અને અનેક દિગ્ગજ ખેલાડીઓ સાથે વાત કરીને સન્યાસની જાહેરાત કરી છે. વધુમાં ચેતેશ્વર પૂજારાએ 2018માં ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી પોતાને હંમેશા યાદગાર રહેશે તેમ જણાવ્યું હતુ.
વર્ષ 2018માં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ સિરીઝ સાથે 71 વર્ષમાં પહેલીવાર ભારત ઑસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ સિરીઝ જીત્યું હતુ.
આ જીતમાં પૂજારાનું મોટું યોગદાન હતુ. એડિલેડ ટેસ્ટમાં પૂજારાએ 246 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શરૂૂઆતન બે વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. જો કે બીજો છેડો સાચવીને પૂજારાએ ધીરજપૂર્વક બેટિંગ કરી. પોતાની ઈનિંગ્સમાં પૂજારાએ 7 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. પૂજારાની ઈનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગ્સમાં 250 રનનો સ્કોર બનાવી શક્યો. જેના પરિણામે ભારત આ મેચ 31 રને જીત્યું હતુ.
તમને બેટિંગ કરતા જોઇને હંમેશા રાહત મળતી: સચિન
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની છેલ્લી ટેસ્ટ મેચમાં પૂજારાએ શાનદાર સદી પણ ફટકારી હતી. હવે સચિને પૂજારાની નિવૃત્તિ પર સોશિયલ મીડિયા પોસ્ટ લખી છે. ચેતેશ્વર પૂજારાની મજબૂત ટેકનિક ભારતની ટેસ્ટ મેચોમાં ઘણી જીતનો આધાર હતી. તેમણે એમ પણ કહ્યું કે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત તેમની ભાગીદારી વિના શક્ય નહોતી. 103 ટેસ્ટ મેચોમાં 7000 થી વધુ રન બનાવનારા પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પૂજારા ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં આઠમા ક્રમે હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 21301 રન પણ બનાવ્યા છે. સચિન તેંડુલકરે પૂજારા માટે ટ્વિટ કર્યું, પપુજારા, તમને નંબર 3 પર બેટિંગ કરતા જોઈને હંમેશા રાહત થઈ. તમે હંમેશા શાંત, હિંમત અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેના ઊંડા પ્રેમ સાથે મેદાનમાં આવ્યા છો. દબાણ હેઠળ તમારી મજબૂત ટેકનિક, ધીરજ અને સંયમ ટીમ માટે આધારસ્તંભ રહ્યા છે.
તે તોફાન વચ્ચે પણ અડગ રહી લડતો: ગૌતમ ગંભીર
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ પૂજારાની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે. ગંભીરે તેના એક્સ હેન્ડલ પર પૂજારા માટે લખ્યું છે કે, પતે તોફાન વચ્ચે પણ અડગ રહ્યો, જ્યારે આશાઓ ખતમ થઈ ગઈ ત્યારે પણ તે લડ્યો. અભિનંદન પુજ્જી! ગૌતમ ગંભીર અને પૂજારા લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ખેલાડીઓ તરીકે સાથે રમ્યા, પરંતુ ગંભીરના કોચિંગ હેઠળ પૂજારાને એક પણ મેચમાં તક મળી નહીં. ગૌતમ ગંભીર કોચ બન્યા પછી ભારતીય ટીમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. ગંભીર કોચ બન્યા પછી અત્યાર સુધીમાં ચાર સિનિયર ખેલાડીઓએ ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી છે. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. તો અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.