મને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્ર
પૂજારાએ 24 ઓગસ્ટના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સંન્યાસ લેનારા ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટર ચેતેશ્વર પુજારાને પત્ર લખીને તેમના જીવનની બીજી ઈનિંગ માટે શુભકામનાઓ પાઠવી છે. ચેતેશ્વર પુજારાએ 24 ઓગસ્ટના રોજ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
ચેતેશ્વર પુજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ચેતેશ્વર પુજારાની રમતની પ્રશંસા કરી છે અને તેને એક મહાન ક્રિકેટર ગણાવ્યા છે.
પીએમ મોદીએ ચેતેશ્વર પુજારાને અભિનંદન આપ્યા અને તેના શાનદાર ક્રિકેટ કરિયર માટે શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ લખ્યું છે કે તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના તમારા નિર્ણય વિશે મને ખબર પડી. આ જાહેરાત પછી ફેન્સ અને ક્રિકેટ જગત તરફથી તમારી સિદ્ધિઓની પ્રશંસાનો માહોલ છવાઈ ગયો છે. હું તમને શાનદાર ક્રિકેટ કરિયર માટે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
પીએમ મોદીએ આગળ લખ્યું છે કે ક્રિકેટના ટૂંકા ફોર્મેટના પ્રભુત્વવાળા યુગમાં તમે અમને રમતના લાંબા ફોર્મેટની સુંદરતાની યાદ અપાવી. તમારા સ્વભાવ અને ખૂબ જ એકાગ્રતા સાથે લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતાએ તમને ભારતીય બેટિંગ ઓર્ડરનો આધારસ્તંભ બનાવ્યો. તમારું ઉત્કૃષ્ટ ક્રિકેટ કરિયર નોંધપાત્ર કૌશલ્ય અને સંકલ્પની ક્ષણોથી ભરેલી છે, ખાસ કરીને વિદેશમાં પડકારજનક પરિસ્થિતિઓમાં. ઉદાહરણ તરીકે, ફેન્સ હંમેશા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જેવા પ્રસંગોને યાદ રાખશે, જ્યારે તમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની પહેલી ઐતિહાસિક સિરીઝ જીતનો પાયો નાખ્યો હતો! સૌથી શક્તિશાળી બોલિંગ આક્રમણમાંના એક સામે ઉભા રહીને, તમે બતાવ્યું કે ટીમ માટે જવાબદારી લેવાનો અર્થ શું છે.
પીએમ મોદીએ કહ્યું કે મને ખાતરી છે કે તમારા પિતા, જે પોતે એક ક્રિકેટર હોવાની સાથે સાથે તમારા માર્ગદર્શક પણ છે, તેમને તમારા પર ગર્વ છે. પૂજા અને અદિતિ તમારી સાથે વધુ સમય વિતાવીને ખુશ થશે. મેદાનની બહાર કોમેન્ટેટર તરીકે તમારું વિશ્ર્લેષણ ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ મહત્વનું છે. મને વિશ્વાસ છે કે તમે તમારી જાતને રમત સાથે જોડાયેલા રાખશો અને ઉભરતા ક્રિકેટરોને પ્રેરણા આપશો. તમારી આગળની સફર માટે શુભકામનાઓ.