'હું હારી ગઈ…', ચેમ્પિયન વિનેશ ફોગાટે કુશ્તીને કહ્યું અલવિદા, નિવૃત્તિનું કર્યું એલાન
પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલો બોક્સિગંમાં ફાઇનલ સુધી પહોંચેલી અને 100 ગ્રામ વધુ વજનના કારણે ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગયેલી કુસ્તીબાજ વિનેશ ફોગાટે અંતે નિવૃતિ જાહેર કરી દીધી છે.
વિનેશ ફોગાટે તેના સોશિયલ મીડીયા એકાઉન્ટ ઉપર ભાવુક પોસ્ટ લખી હતી અને જણાવ્યું હતું કે ‘માં કુસ્તી મારાથી જીતી ગઇ, હું હારી ગઇ, માફ કરજો’, તારૂ સપનુ, મારી હિંમત, બધુ તુટી ગયું. હવે મારી પાસે આનાથી વધુ તાકાત નથી રહી. અલવીદા કુસ્તી 2021-2024. ફોગટો માફી માંગતા કહ્યું, હું તમારા બધાની ઋણી રહીશ.
તેણીએ તેમના સમર્થન માટે દરેકનો આભાર માન્યો અને કહ્યું કે તે દરેકની ઋણી રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની માતાને યાદ કરીને તેણે લખ્યું કે તેની હિંમત તૂટી ગઈ છે. આ પહેલા કુસ્તીબાજ વિનેશે સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને સંયુક્ત રીતે ઓલિમ્પિક સિલ્વર મેડલ આપવાની અપીલ કરી હતી. તેમની અપીલ પર આજે નિર્ણય આવી શકે છે. જોકે, આ નિર્ણય પહેલા જ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશની રમત અને રાજકીય જગતની અનેક હસ્તીઓએ વિનેશને ચેમ્પિયન કહીને પ્રોત્સાહિત કર્યા હતા.
બુધવારે મોડી રાત્રે આવેલા સમાચાર અનુસાર, પેરિસમાં સ્થાનિક સમયાનુસાર લગભગ 5.51 વાગ્યે, તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સને પોતાને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી છે. હકીકતમાં, તેણે મંગળવારે સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે બુધવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તે 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. સ્પોર્ટ્સ આર્બિટ્રેશનને રમતગમત માટે લવાદની અદાલત પણ કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનેશે હવે આ જગ્યા પર અપીલ કરી છે અને પોતાને ઓછામાં ઓછું સિલ્વર આપવાનું કહ્યું છે.
ભારતના શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંના એક ગણાતા વિનેશ ફોગાટનો જન્મ 1994માં થયો હતો. વિનેશના કાકા મહાવી સિંહ ફોગાટ અને તેની બહેન બબીતા ફોગાટને ખૂબ જ ઓછા સમયમાં કુસ્તીનો પરિચય કરાવ્યો. વિનેશ તેની પિતરાઈ બહેનો ગીતા અને બબીતાના પગલે ચાલી હતી. માત્ર 9 વર્ષની ઉંમર હતી તે સમયે પિતાની છત્ર છાયા ગુમાવી હતી. વિનેશના કાકાએ બંને બહેનોને કુસ્તી શીખવવાનું શરૂૂ કર્યું અને બંનેએ આ રમત શીખવા માટે તમામ પ્રયત્નો કર્યા.
વિનેશ ફોગાટે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં તેનું પ્રથમ મોટું આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યું હતું. તેણે ગોલ્ડ મેડલ જીતીને પોતાની કારકિર્દીની શાનદાર શરૂૂઆત કરી હતી. તે પછી તેણે 2016 રિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ તે દરમિયાન તે મેડલ મેળવવામાં નિષ્ફળ રહી. 2018માં તેણે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. 2021 એશિયન ચેમ્પિયનશીપમાં તેણીનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા પછી તે ટોક્યો ઓલિમ્પિકનો ભાગ રહી. ત્યારબાદ તેણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં અણધાર્યા વિકાસ બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓલિમ્પિક ફાઈનલના થોડાક કલાકો પહેલા જ તેને ફાઇનલ મેચમાંથી વધુ વજનના કારણે તેને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. આ આઘાત સહન કરવામાં અસમર્થ વિનેશે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખીને કુસ્તીને અલવિદા કહી દીધું.
આ રમતનો એક ભાગ છે : ફોગાટ
ઓલિમ્પિક વિવાદમાં રેસલર વિનેશ ફોગાટે અંતે મૌન તોડયું હતું. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને ડો. દિનશા પારડીવાલા બાદ તેના કોચ વિનેશની હોસ્પિટલે પહોંચ્યા હતો. મહિલા રાષ્ટ્રીય કોચ વીરેન્દ્ર દહિયા અને મનજીત રાનીએ વિનેશ સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. વીરેન્દ્ર દહિયાએ કહ્યું- વિનેશને અયોગ્ય જાહેર કર્યા બાદ વિવાદ થયો હતો. જેના કારણે છોકરીએ દુ:ખી થઈ ગઈ હતી. અમે વિનેશને મળ્યા હતા. અમે તેને સાંત્વના આપવાનો પણ પ્રયાસ કર્યો. તે એક બહાદુર છોકરી છે. વિનેશે અમને કહ્યું- "તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે મેડલ જીતવાનું ચૂકી ગયા, પરંતુ તે રમતનો એક ભાગ છે.”
વિનેશનું મેડલ વિજેતાની જેમ સન્માન કરવાની હરિયાણાની જાહેરાત
હરિયાણાની કુસ્તીબાજ વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ કુશ્તીને અલવિદા કહી દીધું છે. તેમના નિર્ણયથી સમગ્ર રાજ્યના રમતપ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે. હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કહ્યું છે કે વિનેશ અમારા માટે ચેમ્પિયન છે. આથી હરિયાણા પરત ફરતાં તેનું સિલ્વર મેડલ વિજેતાની જેમ સ્વાગત કરવામાં આવશે. સીએમએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું- હરિયાણાની અમારી બહાદુર દીકરી વિનેશ ફોગટે જબરદસ્ત પ્રદર્શન કરીને ઓલિમ્પિકમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કેટલાક કારણોસર તે ભલે ઓલિમ્પિકની ફાઈનલ રમી શકી ન હોય પરંતુ તે આપણા બધા માટે ચેમ્પિયન છે. અમારી સરકારે નક્કી કર્યું છે કે વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાને હરિયાણા સરકાર જે તમામ સન્માનો, પુરસ્કારો અને સુવિધાઓ આપે છે તે પણ વિનેશ ફોગાટને કૃતજ્ઞતા સાથે આપવામાં આવશે. અમને તમારા પર ગર્વ છે વિનેશ