ટી-20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારી હિટમેન રોહિત શર્માના શિરે
7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાશે ટી-20 વર્લ્ડ કપ 2026
ક્રિકેટ ચાહકો માટે આતુરતાનો અંત આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમ યોજીને ટી-20 વર્લ્ડ કપ 2026 નું સત્તાવાર સમયપત્રક જાહેર કર્યું છે. આ સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા માટે એક ગૌરવપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
ICC એ રોહિત શર્માને આ મેગા ઇવેન્ટના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. વર્ષ 2024 માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા હવે મેદાનની બહાર રહીને આ ટૂર્નામેન્ટની શાન વધારશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂૂઆત 7 ફેબ્રુઆરીએ યુએસએ સામેની મેચથી કરશે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2024 માં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. 11 વર્ષના લાંબા દુષ્કાળ બાદ ભારતે ICC ટ્રોફી જીતી હતી. આ જીત બાદ તરત જ રોહિતે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જોકે, ક્રિકેટમાં તેમના અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને ICC એ તેમને 2026 વર્લ્ડ કપના ચહેરા તરીકે પસંદ કર્યા છે. રોહિતે ભારત માટે ટી-20 ફોર્મેટમાં 140.89 ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 4231 રન ફટકાર્યા છે, જે તેમને આ ફોર્મેટના દિગ્ગજ ખેલાડી બનાવે છે. ટી-20 વર્લ્ડ કપ 2026 નું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂૂ થઈને 8 માર્ચ સુધી ચાલશે. ભારતમાં કુલ 5 સ્થળો (મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નાઈ) પર મેચો રમાશે, જ્યારે શ્રીલંકામાં 3 સ્થળો (કોલંબોમાં બે અને કેન્ડીમાં એક) પર મેચોનું આયોજન થશે. કુલ 20 ટીમોને 5 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવશે અને ફોર્મેટ 2024 ના વર્લ્ડ કપ જેવું જ રહેશે.