વર્લ્ડ બોક્સિગં કપ ફાઇનલમાં ભારતીય મહિલા બોક્સરોની ગોલ્ડ મેડલની હેટ્રિક
48, 54 અને 70 કિ.ગ્રા. કેટેગરીમાં જીત્યા મેડલ
ગુરુવારે ગ્રેટર નોઇડામાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ 2025માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. મીનાક્ષી હુડા, અરુંધતી ચૌધરી અને પ્રીતિ પવારે પોતપોતાની ફાઇનલ મેચ જીતીને ભારતને ત્રણ ગોલ્ડ મેડલ અપાવ્યા છે. અંતિમ દિવસે, કુલ 15 ભારતીય બોક્સરો ગોલ્ડ મેડલ માટે રિંગમાં ઉતરવાના હતા, જેમાંથી આ ત્રણ દેશને ગોલ્ડન સફળતા અપાવનાર પ્રથમ હતા.
ભારતનો પહેલો ગોલ્ડ મેડલ 48 કિગ્રા વર્ગમાં મીનાક્ષી હુડાએ જીત્યો છે. મીનાક્ષીએ ફાઈનલમાં ઉઝબેકિસ્તાનના બોક્સર ફરઝોના ફોઝિલોવાને 5-0 થી હરાવીને શાનદાર જીત મેળવી. મીનાક્ષીએ શરૂૂઆતના રાઉન્ડમાં જ શાનદાર પ્રદર્શન કર્યું, તેના વળતા મુક્કાઓ જબરદસ્ત હતા અને શરૂૂઆતથી જ તે સંપૂર્ણ નિયંત્રણમાં દેખાતી હતી.
મીનાક્ષીની સફળતા પછી, અરુંધતી ચૌધરી અને પ્રીતિ પનવરે પણ પોતપોતાના અંતિમ મુકાબલા જીતીને ગોલ્ડ મેડલની હેટ્રિક પૂર્ણ કરી. મહિલાઓની 70 કિગ્રા શ્રેણીની ફાઇનલમાં અરુંધતીએ ઉઝબેકિસ્તાનની અન્ય બોક્સર અઝીઝા ઝોકિરોવાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. પ્રીતિએ મહિલાઓની 54 કિગ્રા શ્રેણીની ફાઇનલમાં ઇટાલીની સિરીન ચરાબીને હરાવીને ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ સુરક્ષિત કર્યો.