રણજીમાં સિંગલ સિઝનમાં 69 વિકેટ ઝડપી હર્ષ દુબેનો રેકાર્ડ
લેફ્ટ આર્મ બોલરે 22 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો
વિદર્ભના લેફ્ટ આર્મ સ્પિનર હર્ષ દુબેએ રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો છે. હર્ષ રણજીની એક એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે આ સિદ્ધિ વિદર્ભ અને કેરળની ફાઇનલ મેચમાં મેળવી છે. 22 વર્ષના આ બોલરે શુક્રવારે નાગપુરના જામથા સ્થિત વીસીએ સ્ટેડિયમમાં બીજી ઇનિંગમાં ત્રીજી વિકેટ લેતા જ આ સિદ્ધિ મેળવી હતી. દુબેએ આ દરમિયાન બિહારના આશુતોષ અમનનો રેકોર્ડ ધરાશાયી કર્યો છે, જેણે 2018-19 સિઝનમાં 8 મેચમાં 68 વિકેટ ઝડપી હતી.
અમને પ્લેટ ગ્રુપમાં આ કામ કરી બતાવ્યું હતું. જ્યારે હર્ષે એલીટ ગ્રુપમાં ધાકડ ટીમો સામે 69 વિકેટ લઈને મહારેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેની ધારદાર બોલિંગથી વિદર્ભની ટીમ પહેલી ઇનિંગમાં લીડ મેળવવામાં સફળ થઈ ગઈ છે.
હર્ષ દુબેએ સેમીફાઇનલ મેચમાં મુંબઈ સામે 5 વિકેટ હોલ લઈને ટીમને શાનદાર જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે સાતમીવાર 5 વિકેટ હોલ પોતાના નામે કર્યો હતો. તે રણજીમાં વર્તમાન સિઝનમાં સતત પોતાની બોલિંગથી પ્રભાવિત કરી રહ્યો છે. હર્ષ અને અમન પછી ત્રીજા નંબરે જયદેવ ઉનડકટનો નંબર આવે છે, જેણે 67 વિકેટ લીધી છે. જ્યારે બિશન સિંહ બેદી 64 વિકેટ સાથે ચોથા નંબરે છે.
હર્ષ સરવટેને પહેલી સ્લિપમાં કેચ કરાવીને રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં પોતાની 67મી વિકેટ મેળવી હતી. ત્યારબાદ તેણે લંચ પહેલાં નિઝારને એલબીડબ્લ્યૂ આઉટ કરી બિહારના આશુતોષ અમનના એક સત્રમાં સૌથી વધુ 68 વિકેટના રેકોર્ડની બરાબરી કરી હતી. ત્યારબાદ એમડી નિધીશને એલબીડબ્લ્યૂ કરી રણજી સત્રમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.