IPL 2026 પહેલાં ગુજરાત ટાઇટન્સે કર્યો ફેરફાર, અલગ અવતારમાં જોવા મળશે ગિલ એન્ડ કંપની
ગુજરાત ટાઈટન્સને આ વખતે નવા સ્પોન્સર મળતા હવે ટીમની જર્સીનો કલર અને લોગો ફરી જશે
IPL 2026ને લઈને આગામી મહિને ખેલાડીઓનું મિનિ ઓક્શન યોજવા જઈ રહ્યું છે. એ પહેલા તમામ 10 ટીમોએ પોત-પોતાનું રિટેન્શન લિસ્ટ જાહેર કરવાનું છે, જેની તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે 2022 આઈપીએલની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સે એક મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત ફ્રેન્ચાઈઝીને નવો પ્રિન્સિપલ જર્સી સ્પોન્સર મળ્યો છે. એટલે કે આગામી સિઝનમાં શુભમન ગિલની ટીમ નવી જર્સીમાં જોવા મળશે.
શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ટીમ ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026 માટે બિરલા એસ્ટેટ્સને પોતાનુ મુખ્ય સ્પોન્સર બનાવ્યું છે. બિરલા એસ્ટેટ્સ, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ લિમિટેડની (ABREL) પૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની છે. ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે પણ કંપની સાથે આ ભાગીદારીને લઈને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી અને કહ્યું, અમને વિશ્વાસ અને ઉત્કૃષ્ટતાના પર્યાય, બિરલા એસ્ટેટ્સનું અમારા નવા પ્રિન્સિપલ સ્પોન્સર તરીકે સ્વાગત કરતા ખૂશી થઈ રહી છે.
બિરલા એસ્ટેટ્સના એમડી અને સીઈઓ કે.ટી. જિતેન્દ્રને કહ્યું, ‘બિરલા એસ્ટેટ્સમાં અમારો ઉદેશ્ય એવો માઇલ સ્ટોન બનાવવાનો છે જે જીવનને પ્રોત્સાહન આપે. આઈપીએલની સૌથી ઊર્જાવાન અને દૂરદર્શી ટીમોમાંથી એક ગુજરાત ટાઇટન્સ સાથેની આ ભાગીદારી અમારા ઉત્કૃષ્ટતા, નવીનતા અને સમુદાયના મુખ્ય દર્શન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.’ તેમણે આ ડીલને ‘ભારત અને તેના વિદેશમાં રહેતા લાખો ચાહકો’ સાથે જોડાવાની એક તક ગણાવી છે.
આ પહેલા ફેન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11 આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સનું ઓફિશિયલ પ્રિન્સિપલ જર્સી સ્પોન્સર હતુ. જો કે, ભારત સરકારના નવા ઓનલાઈન ગેમિંગ વિધેયક 2025 બાદ રિયલ મની ગેમ્સને બેન કરી દીધી હતી. જેથી ડ્રીમ 11ને ફ્રી-ટૂ-પ્લે મોડલ અપનાવવું પડ્યું. એ જ કારણ છે કે, કંપનીને બીસીસીઆઈ અને ગુજરાત ફ્રેન્ચાઈઝી બંને સાથે પોતાનો કરાર સમાપ્ત કરવો પડ્યો.
આ પહેલા એથર એનર્જી વર્ષ 2022થી ગુજરાત ફ્રેન્ચાઈઝીનું મુખ્ય સ્પોન્સર હતુ. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ટીમે 14 મેચમં 9 જીત અને 5 હાર સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતુ