ગીલની અણનમ સદી, ભારતનો બાંગ્લાદેશ સામે 6 વિકેટે વિજય
આઇસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની વિજયી શરૂઆત, રોહિત શર્માના વન-ડે કેરિયરમાં 11000 રન પૂરા
ભારતીય ક્રિકેટ ટીમે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર શરૂૂઆત કરી છે. દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 228 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 21 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીતના મુખ્ય હીરો શુભમન ગિલ રહ્યા હતા, જેમણે અણનમ 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીએ બાંગ્લાદેશના બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરીને પાંચ વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય બાંગ્લાદેશ માટે નિરાશાજનક સાબિત થયો હતો. શરૂૂઆતમાં જ બાંગ્લાદેશની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને માત્ર 35 રનમાં તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઈ હતી. જોકે, મધ્યમ ક્રમમાં તૌહીદ હૃદય અને ઝાકિર અલીએ બાજી સંભાળી હતી અને 154 રનની ભાગીદારી નોંધાવી બાંગ્લાદેશને સંકટમાંથી ઉગાર્યું હતું. તૌહીદ હૃદયે સદી ફટકારી 100 રન બનાવ્યા હતા, જ્યારે ઝાકિર અલીએ 68 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય બોલિંગ આક્રમણમાં મોહમ્મદ શમીએ તરખાટ મચાવતા 5 વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ પોતાના નામે કરી હતી. અક્ષર પટેલ આ મેચમાં હેટ્રિક લેતા પણ ચૂકી ગયા હતા, કારણ કે રોહિત શર્માએ કેચ છોડી દીધો હતો. જવાબમાં ભારતીય ટીમની શરૂૂઆત પણ સારી રહી હતી, પરંતુ વિરાટ કોહલી 22 રનના સામાન્ય સ્કોર પર આઉટ થતા થોડી ચિંતા વધી હતી. રોહિત શર્માએ 41 રન બનાવ્યા જેમાં તેણે વનડે કરિયરમાં 11,000 રન પણ પૂરા કર્યા હતા. જોકે, શુભમન ગિલે એક છેડો સાચવી રાખીને બાંગ્લાદેશી બોલરોનો સામનો કર્યો અને પોતાની ઓડીઆઇ કેરિયરની 8મી સદી ફટકારી હતી. ગિલે 101 રનની અણનમ ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
આ સાથે ગિલની વનડે મેચોમાં આ સતત બીજી સદી છે, અગાઉ તેણે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી વનડે મેચમાં પણ 112 રન બનાવ્યા હતા. જ્યારે ભારતનો સ્કોર 144 રન પર 4 વિકેટ થયો ત્યારે ગિલ અને કેએલ રાહુલે મળીને અણનમ 87 રનની ભાગીદારી કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. કેએલ રાહુલે પણ અણનમ 41 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં મોહમ્મદ શમીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની ડેબ્યૂ મેચમાં જ 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે આઇસીસી ટૂર્નામેન્ટ્સ (ચેમ્પિયન્સ ટ્રોફી અને ઓડીઆઇ વર્લ્ડ કપ)માં કુલ 60 વિકેટ મેળવી લીધી છે. હવે તે ઝહીર ખાનના 59 વિકેટના રેકોર્ડને તોડીને બંને ટૂર્નામેન્ટમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.
ઓડીઆઇમાં સૌથી વધુ વિકેટનો મોહમ્મદ શમીનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય બોલરોએ વિરોધી બેટ્સમેનોને સ્ટ્રોક રમવા દીધા ન હતા. શમીએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી છે અને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. મોહમ્મદ શમીએ હંમેશા આઇસીસી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેની ઝલક આપણે 2023ના ઓડીઆઇ વર્લ્ડ કપમાં જોઈ છે. હવે બાંગ્લાદેશ સામેની મેચમાં ત્રણ વિકેટ લઈને તેણે ઓડીઆઇ ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂર્ણ કરી લીધી છે. તે ઓડીઆઇ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ પૂર્ણ કરનાર બોલર બન્યો છે અને તેણે મિશેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. શમીએ 200 ઓડીઆઇ વિકેટો પૂર્ણ કરવા માટે 5126 બોલ લીધા છે. જ્યારે સ્ટાર્કે 5240 બોલમાં આ કર્યું. હવે શમીએ સૌથી ઓછા બોલમાં 200 ઓડીઆઇ વિકેટ લેવાની બાબતમાં વિશ્વભરના તમામ બોલરોને પાછળ છોડી દીધા છે અને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. મોહમ્મદ શમીએ પોતાના વનડે ક્રિકેટમાં 104 મેચોમાં 200 વિકેટ લીધી છે. તે સૌથી ઓછી મેચોમાં 200 વિકેટ લેનાર સંયુક્ત બીજો બોલર બન્યો. તેણે સકલૈન મુશ્તાકની બરાબરી કરી લીધી છે. આ બંને બોલરોએ 104-104 મેચોમાં 200 વિકેટ પૂર્ણ કરી છે. જ્યારે મિશેલ સ્ટાર્ક નંબર વન પર છે. સ્ટાર્કે 102 મેચમાં 200 વિકેટ ઝડપી હતી.