ગૌતમ ગંભીર ટીમમાં એવા ખેલાડીનો જ સમાવેશ કરે છે જેને તે પસંદ કરતા હોય
યશસ્વી જયસ્વાલ અને ઐયરનો સમાવેશ ન થવા બાબતે સદાગોપન રમેશના આરોપ
તાજેતરમાં જ એશિયા કપ 2025 ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ જોઈને બધા ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પૂર્વ ક્રિકેટર સદાગોપન રમેશે ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર આ બે ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન આપવાનો મોટો આરોપ લગાવ્યો છે.
સદાગોપન રમેશના મતે, ગૌતમ ગંભીર ટીમમાં ફક્ત તે ખેલાડીઓનો સમાવેશ કરે છે જેને તે પસંદ કરે છે. તેણે એમ પણ કહ્યું કે ગૌતમ ગંભીરની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત છે અને શ્રેયસ ઐયરે તેમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું અને હવે ગંભીર શ્રેયસને તક આપી રહ્યો નથી.
રમેશે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ગૌતમ ગંભીર એવા ખેલાડીઓને સપોર્ટ કરે છે જેને તે પસંદ કરે છે પરંતુ જેને તે પસંદ નથી તેને સંપૂર્ણપણે છોડી દે છે. ઈંગ્લેન્ડમાં ડ્રો થયેલી શ્રેણીને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે કારણ કે ગયા વર્ષે અમે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ વિદેશમાં સતત જીતવાનું શરૂૂ કરી દીધું હતું. હવે ઈંગ્લેન્ડમાં ફક્ત ડ્રો થયેલી શ્રેણીને ગંભીરના ટ્રેક રેકોર્ડમાં મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
આ અનુભવી ખેલાડીએ આગળ કહ્યું, ગૌતમ ગંભીરની સૌથી મોટી સિદ્ધિ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની જીત છે અને શ્રેયસ અય્યરે તેમાં મોટી ભૂમિકા ભજવી હતી. આમ છતાં, ગૌતમ ગંભીર અય્યરને સપોર્ટ આપી રહ્યો નથી. યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ તમારા એક્સ ફેક્ટર છે અને તેમને બધા ફોર્મેટમાં તક આપવી જોઈએ. તેમને સ્ટેન્ડબાય પર રાખવા એ ખૂબ જ ખોટું પગલું છે. અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જોરદાર પ્રદર્શન કર્યું, તેને હંમેશા ભારતની વ્હાઈટ બોલ ટીમમાં રાખવો જોઈએ. ખેલાડીઓને સપોર્ટ મળવો જોઈએ જેથી તેમનો આત્મવિશ્વાસ પણ ઊંચો રહે અને તેઓ ફોર્મમાં રહે.